મામુટ્ટીની ‘બ્રહ્મયુગમ’ ઓસ્કાર એકેડેમીમાં

Friday 23rd January 2026 08:59 EST
 
 

મામુટ્ટીની ફિલ્મ ‘બ્રહ્મયુગમ’એ ઇતિહાસ સર્જ્યો છે. આ ફિલ્મ એવા સ્થાને પહોંચી રહી છે, જે ઘણા ફિલ્મમેકર્સનું સપનું હોય છે. એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ લોસ એન્જલસ ખાતે 12 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું છે. ‘વેર ધ ફોરેસ્ટ મીટ્સ ધ સી’ નામના એક ખાસ વિભાગમાં આ ફિલ્મનું સ્કીનિંગ થવાનું છે. ઓસ્કારના મ્યુઝિયમમાં પહેલી વખત મામુટ્ટીની કોઈ ફિલ્મ પહોંચી હોય એવી ઘટના બની છે. ફિલ્મના ડિરેક્ટર રાહુલ સદાશિવને આ બાબત સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું, ‘બ્રહ્મયુગમ એવા સ્થળ પરથી આવે છે, જ્યાંની વાર્તાઓ સાંભળીને હું મોટો થયો છું, જે ડર હજુ મનમાં રહી ગયો છે અને એ સૂમસામપણું ક્યારેય મનમાંથી ગયું નથી. એ બાબતે હવે ભાષા અને ભુગોળના બંધનો તોડીને વિદેશના લોકોને પણ સ્પર્શી શકે તે વાત ભાવુક કરી દે એવી છે. 12 ફેબ્રુઆરી 2026ના દિવસે ‘વેર ધ ફોરેસ્ટ મીટ્સ ધ સી’ અંતર્ગત સ્ક્રિન થનારી એકમાત્ર ફિલ્મ ‘બ્રહ્મયુગમ’ છે, જેમાં મામુટ્ટી હતા.’ તેણે આ બાબત શેર કરતાં જ મામુટ્ટીના ફેન્સે તેને વધાવી લીધી હતી અને અભિનંદન આપ્યા હતા. ઘણા લોકો ખુશ થઈ ગયાં હતાં.
‘વેર ધ ફોરેસ્ટ મીટ્સ ધ સી’ વિભાગમાં 10 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી ફિલ્મોનું સ્ક્રીનિંગ ચાલશે. આ પ્રોગ્રામમાં વિશ્વના અલગ અલગ હિસ્સામાંથી આવતી લોકકથાઓ પરથી પ્રેરિત ફિલ્મો દર્શાવાશે. જેમાં 2019ની ‘મિડસોમાર’, 1922ની ‘હક્સન’, 2019ની ‘લા લિઓરોના’, 2015ની ‘ધ વિચ’, 2022ની ‘યુ વોન્ટ બી અલોન’, 2016ની ‘અન્ડર ધ શેડો’, 1973ની ‘ધ વિકર મેન’, 2020ની ‘હિઝ હાઉસ’ અને 1965ની ‘ઓનીબાબા’ પણ સ્ક્રીન થશે. દુનિયાભરની આ ફિલ્મો વચ્ચે ભારતની બ્રહ્મયુગમને સ્થાન મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter