મારું ઘર કંઇ કોરોનાનું સુપર સ્પ્રેડર નથીઃ કરણ

Tuesday 21st December 2021 11:38 EST
 
 

પહેલા કરીના કપૂર, પછી અમ્રિતા અરોરા, સીમા ખાન, અભિનેતા સંજય કપૂરની પત્ની મહીપ કપૂર, નવોદિત અભિનેત્રી પુત્રી શનાયા કપૂર, પછી વધુ ત્રણ જણા કોરોનાગ્રસ્ત થયાના અહેવાલ છે, અને આ યાદી ક્યાં જઇને અટકશે તે સવાલ છે. કરીના કપૂરની મેઇડ અને સીમા ખાનનો ૧૦ વર્ષીય પુત્ર તેમજ સીમાની બહેન પણ કોરોનાના સપાટામાં આવ્યા છે. બીજી તરફ, આ બધાને કોરોનાનો ચેપ કરણ જોહરને ત્યાં યોજાયેલી પાર્ટીમાંથી લાગ્યો હોવાની ચર્ચાને કારણે કરણ જોહર પર ટીકાની ઝડી વરસી રહી છે. આ પછી કરણ જોહરે સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી છે. કરણે લખ્યું છેઃ મારા ઘરે કોઇ મોટી પાર્ટીનું આયોજન થયું નહોતું. ફક્ત એક ડિનર પાર્ટી જ હતી. કરણે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું છે કે, હું, મારો પરિવાર અને મારા ઘરમાં રહેતી દરેક વ્યક્તિના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા છે, જેના રિપોર્ટસ ભગવાનની કૃપાથી નેગેટિવ આવ્યા છે. અમે સુરક્ષિત રહેવા માટે અને નેગેટિવ આવ્યા પછી પણ બે વખત ટેસ્ટ કરાવી હતી. હું બૃહદ મુંબઇ પાલિકાના અધિકારીઓનો આભાર માનું છું. તેઓ આપણા શહેરની સુરક્ષા માટે જાગ્રત છે. મીડિયાકર્મીઓને હું સ્પષ્ટ કરવા માંગું છું કે, મારે ત્યાં ફક્ત આઠ વ્યક્તિની ડિનર પાર્ટી હતી, કોઇ મોટી ગેધરિંગ પાર્ટી નહોતી. મારા ઘરમાં કોરોનાની દરેક ગાઇડલાઇન્સનું પાલન થાય છે. અમે જવાબદાર વ્યક્તિ છીએ અને માસ્ક પહેરીએ છીએ. મીડિયાને વિનંતી છે કે, સાચી વાતો જાણ્યા વિના કોઇ પણ અફવા ફેલાવવી નહીં. દરેકને ખૂબ પ્રેમ અને સુરક્ષા. ઉલ્લેખનીય છે કે કરણ જોહરના પરિવાર અને સ્ટાફના ૧૦ વ્યક્તિઓ ઉપરાંત બિલ્ડિંગના ૪૦ વ્યક્તિના કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે અને તેના ઘરને પણ સેનેટાઇઝ કરાયું છે. આ પાર્ટીમાં હાજર મલાઇકા અરોરા અને આલિયા ભટ્ટના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. આ બધા લોકો ‘કભી ખુશી કભી ગમ’ના ૨૦ વર્ષનું સેલિબ્રેશન કરવા ભેગા થયા હોવાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter