મુંબઈઃ અભિનેત્રી મિનીષા લાંબાએ તાજેતરમાં જણાવ્યું કે તેના પતિ રાયન સાથે તેણે છૂટાછેડા લઈ લીધા છે. મિનીષા અને રાયને પાંચ વરસ પહેલા લગ્ન કર્યાં હતાં. જોકે ૨૦૧૮થી જ તેઓ વચ્ચે અણબનાવ હોવાની વાત આવી હતી. આ યુગલ અલગ અલગ રહેતું હોવાની પણ ચર્ચા હતી. જોકે મીનિષાએ એ સમયે આ બાબતે ચૂપકીદી સેવી હતી અને સોશિયલ મીડિયા પર આ વાતની સ્પષ્ટતા કરી હતી.
મિનીષાએ હમણાં એક વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, તે અને રાયન છુટ્ટા થઇ ગયા છે. મિનીષાએ કહ્યું કે, હું અને રિયાન પરસ્પર સંમતિથી છુટા થઇ ગયા છીએ અને કાયદેસર કાર્યવાહીઓ પણ પૂરી થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, મીનિષાનો પતિ રાયન રેસ્ટોરાંનો માલિક છે. બન્નેની મુલાકાત ૨૦૧૩માં એક જૂહુની નાઇટ ક્લબમાં થઇ હતી. બે વરસ સુધી ડેટિંગ પછી ૬ જુલાઇ ૨૦૧૫ના રોજ તેમણે સાદાઈથી લગ્ન કર્યાં હતાં.
મીનિષાએ પોતાની કારકિર્દી ૨૦૦૫ની ફિલ્મ ‘યહાં’થી કરી હતી. તે ૨૦૦૭માં ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’માં જોવા મળી હતી. તેણે ‘દસ કહાનિયા’, ‘કિડનેપ’ અને ‘બચના ઓ હસીનો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને પછી તે રૂપેરી પડદે જોવા મળી નહોતી. છેલ્લે ૨૦૧૮માં તે એક સિરિયલમાં કામ કર્યું હતું.