મિલિંદ સોમણની વડા પ્રધાન સાથે મુલાકાત

Saturday 03rd September 2022 11:29 EDT
 
 

મોડેલ, એક્ટર અને ફિટનેસ આઈકોન મિલિંદ સોમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને તેના ફોટોગ્રાફ શેર કર્યા છે. 15મી ઓગસ્ટે ઝાંસીથી શરૂ થયેલી યુનિટી રન મિલિંદે દિલ્હીના લાલ કિલ્લા ખાતે પૂરીને તિરંગો ફરકાવ્યો હતો. આઠ દિવસમાં 451 કિમીનું રનિંગ કરીને દિલ્હી પહોંચેલા મિલિંદે 24 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. રોજનું 53 કિમી રનિંગ કર્યા બાદ વડા પ્રધાન સાથેનો ફોટોગ્રાફ શેર કરતાં મિલિંદે જણાવ્યું હતું કે, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, પ્રાચીન ભારતીય રમતો, હેલ્થ અને ફિટનેસ બાબતે તેઓ સમાન રૂચિ ધરાવે છે. સમગ્ર દેશમાં આયુર્વેદ અને યોગને પ્રોત્સાહન આપવા માટે મેં તેમનો આભાર માન્યો હતો. મિલિંદે ઈન્સ્ટાગ્રામ પર અન્ય એક પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં તે વડા પ્રધાનને બાલકૃષ્ણની પ્રતિમા આપતો જોવા મળે છે. રહ્યા છે. કેપ્શનમાં મિલિંદે લખ્યું હતું કે, તેની પત્ની અંકિતા કોંવર જન્માષ્ટમી દરમિયાન આ પ્રતિમા વૃંદાવનથી લાવી હતી. રનિંગ દરમિયાન તાપ, વરસાદ જેવી અગવડો વચ્ચે પણ મજા આવી હોવાનું જણાવીને મિલિંદે કહ્યું હતું કે આગામી સમયમાં તે પોતાના અનુભવો રજૂ કરશે. મિલિંદ સોમણ ત્રણ દાયકા લાંબી મોડેલિંગ કરિયર ધરાવે છે અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે તે ફિટનેસ માટે વધુ જાણીતો છે.
અગાઉ, આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે મિલિંદ પત્ની અંકિતા સાથે આઠ દિવસમાં 420 કિલોમીટરનું અંતર કાપીને મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યો હતો અને અહીં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ તેમણે તિરંગો લહેરાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter