મિસ ન્યૂ જર્સી એમિલી શાહનું બોલિવૂડ આગમન

Saturday 21st May 2022 05:17 EDT
 
 

મિસ ન્યૂ જર્સીનું ટાઇટલ જીતનારી અભિનેત્રી એમિલી શાહનું બોલિવૂડમાં આગમન થયું છે. એમિલીની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘જંગલ ક્રાય’ ભારતમાં ઓટીટી પર અને વિદેશમાં થિયેટર્સમાં રજૂ થવાની છે. ઓડિસાના આદિવાસી બાળકોની ફૂટબોલ ટીમ પર આધારિત આ ફિલ્મ અગાઉ જ જુદા જુદા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એવોર્ડઝ તથા પ્રશંસા મેળવી ચૂકી છે. એમિલી આ ફિલ્મમાં ફિઝિયોથેરાપિસ્ટની ભૂમિકામાં છે. ઓડિસાના આદિવાસી બાળકોને ટ્રેનિંગ અને પ્રોત્સાહન આપીને તેમની ફૂટબોલ ટીમ રચવામાં આવે છે. પગમાં પગરખાં પણ નહીં પહેરનારા બાળકો રગ્બી કપમાં ભાગ લેવા માટે આગળ વધે છે તેવી ફિલ્મની વાર્તા છે. એમિલીના પિતા પ્રશાંત શાહ ફિલ્મ પ્રોડયૂસર છે. શિકાગોમાં જન્મેલી અને ન્યૂ જર્સીમાં અભ્યાસ કરનારી એમિલી કડકડાટ ગુજરાતી બોલી જાણે છે.
એમિલીએ ૨૦૧૪માં મિસ ન્યૂજર્સી ટાઇટલ જીત્યું હતું. એમિલીએ મુંબઈ ઉપરાંત ન્યૂ યોર્કમાં એક્ટિંગની તાલીમ લીધી છે. તેની પહેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘ફોર્ચ્યુન ડિફાઈસ ડેથ’ હતી. આ ઉપરાંત તેણે ‘જર્સી બોય’, ‘કેપ્ટન અમેરિકા’, ‘ધી વિન્ટર સોલ્જર’ જેવી ફિલ્મોમાં ક્લિન્ટ ઇસ્ટવૂડના સહાયક તરીકે પણ કામ કર્યું છે. એમિલી ‘જંગલ ક્રાય’ ફિલ્મની એક્ઝિક્યુટિવ પ્રોડયૂસર પણ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતી વખતે જ તેણે ફિઝિયોથેરાપિસ્ટ રોશની ઠાકુરની ભૂમિકા પોતે ભજવશે એમ નક્કી કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter