બોલિવૂડની સાથે સાથે સાઉથમાં પણ હાલ બાયોપિક બનાવવાનો ગાડરિયો પ્રવાહ ચાલ્યો છે. હવે દેશના અગિયારમા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની બાયોપિક બનાવવામાં આવી રહી છે. ‘મિસાઇલ મેન’ તરીકે જાણીતા કલામની ભૂમિકા આ ફિલ્મમાં દક્ષિણનો સુપરસ્ટાર ધનુષ ભજવશે તેમ જાણવા મળ્યું છે.
આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરવાના છે. ઓમ રાઉત અગાઉ ‘આદિ પુરૂષ’ નામની ફિલ્મનું નિર્દેશન કરી ચૂક્યા છે. પ્રભાસ અભિનિત ‘આદિ પુરૂષ’ 700 કરોડ રૂપિયાના ખર્ચે બની હતી. ભારતમાં સૌથી ખર્ચાળ ફિલ્મોમાંની એક ‘આદિ પુરૂષ’ 2023માં રજૂ થઇ હતી અને ફ્લોપ પુરવાર થઇ હતી.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 390 કરોડ રૂપિયાની કમાણી માંડ માંડ કરી શકી હતી. ‘આદિ પુરૂષ’માં રાવણના પાત્રમાં સૈફના ગેટ અપ સહિત અનેક છબરડા વાળવામાં આવ્યા હતા. સમગ્ર ફિલ્મ તદ્દન કંગાળ સ્તરની બનતાં ઓમ રાઉતની ભારે ટીકા થઈ હતી. હવે એપીજે અબ્દુલ કલામની બાયોપિકનું દિગ્દર્શન તેમને સોંપાતાં ફિલ્મ ચાહકોમાં ફિલ્મની ગુણવત્તા અંગે શંકાકુશંકા થઈ રહી છે.