દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની તાજેતરમાં મુંબઈ મેટ્રોમાં સફર કરતા જોવા મળ્યાં હતાં. હેમા માલિનીને જોઈને લોકો દંગ રહી ગયા હતા. એક ટ્વિટમાં ભાજપ સાંસદ હેમા માલિનીએ લખ્યું કે તેમને કારમાંથી મુંબઈના એક ઉપનગર દહિસર પહોંચવામાં બે કલાકનો સમય લાગ્યો. યાત્રા ખૂબ જ થાકી જવાય તેવી હતી. ત્યાર બાદ તેમણે નિર્ણય કર્યો કે કારની જગ્યા પર તે મેટ્રોથી મુસાફરી કરશે. મેટ્રોમાં તેઓ અડધા કલાકમાં ત્યાં પહોંચી ગયા. અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા હેમા માલિનીએ ટ્વિટર પર ઘણા ફોટો અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે. વીડિયોમાં ગુલાબી શર્ટ અને સફેદ પેન્ટ પહેરીને અભિનેત્રી મુંબઈ મેટ્રોની અંદર સાથી યાત્રીઓની સાથે સેલ્ફી લેતાં જોવા મળી રહ્યાં છે. મેટ્રોની સવારી બાદ હેમા માલિનીએ બાકીનો પ્રવાસ ઓટોમાં પૂરો કર્યો હતો. તેમણે ડીએન નગરથી જુહૂ સુધી ઓટોમાં પ્રવાસ કર્યો હતો. હેમા માલિનીએ લખ્યું હતુંઃ જ્યારે પોતે ઘરે પહોંચીને ઓટોમાંથી ઊતર્યા તો સુરક્ષા ગાર્ડ ચોંકી ગયા હતાં. તેમણે વીડિયોની સાથે પોસ્ટ કર્યું હતુંઃ ‘આ વીડિયો મેં ઓટોની અંદરથી શૂટ કર્યો છે. મેં આ બહુ જ એન્જોય કર્યું.’