મુંબઈ આવું છું, કોઈના બાપની તાકાત હોય તો રોકી દેખાડે : કંગનાનો શિવસેનાને લલકાર

Wednesday 09th September 2020 08:09 EDT
 
 

હિન્દી ફિલ્મઉદ્યોગમાં કંગના રણૌત પોતાના બિનધાસ્ત નિવેદનો માટે જાણીતી છે. સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના દિવસથી તે મહારાષ્ટ્ર પોલીસની કથિત નિષ્ક્રિયતા, બોલિવૂડમાં સગાવાદ, ડ્રગ્સનો ઉપયોગ વગેરે મુદ્દે સ્ફોટક નિવેદનો કરતી રહી છે. જોકે આ વખતે મામલો આડે પાટે ફંટાઇ ગયો હોય તેવું લાગે છે. આ વખતે તેણે શિવસેનાના નેતા સંજય રાઉત સાથે ખાંડા ખખડાવ્યા છે. કંગના અને રાઉત વચ્ચે શરૂ થયેલો આરોપ-પ્રત્યારોપનો દોર શમવાનું નામ લેતો નથી.
‘મુંબઈ મરાઠી માનુષના બાપનું છે...’ તેવી રાઉતની ટિપ્પણી પર પલટવાર કરતા કંગનાએ જાહેર કર્યું છે કે હું નવમી સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છું. કોઈની તાકાત હોય તો મને રોકી દેખાડે... મહારાષ્ટ્ર કોઈના બાપનું નથી, જે થાય તે કરી લો... આ પછી બીજી ટ્વિટમાં કંગનાએ લખ્યું છે કે એક મહાન પિતાના સંતાન હોવું જ તમારી એકમાત્ર ઉપલબ્ધિ ન હોઈ શકે. મને મહારાષ્ટ્ર પ્રેમ અથવા તો નફરતનું સર્ટિફિકેટ આપનાર તમે કોણ છો? તમે એવું કઇ રીતે નક્કી કરી લીધું કે તમે મારા કરતાં મહારાષ્ટ્રને વધારે પ્રેમ કરો છો અને હવે મને મુંબઈ આવવાનો કોઈ અધિકાર નથી... મહારાષ્ટ્ર કોઈના બાપનું નથી. મહારાષ્ટ્ર એવા લોકોનું છે જેમણે મરાઠી ગૌરવને પ્રતિષ્ઠિત કર્યું છે અને હું ડંકાની ચોટ પર કહું છું કે હું મરાઠી છું, ઉખાડો મારું શું ઉખાડી લેશો.

દુશ્મનોનું શ્રાદ્ધ કરશું: સંજય રાઉત

સંજય રાઉતે ટ્વિટ કરતાં લખ્યું હતું કે મુંબઈ મરાઠી માનુષના બાપનું છે, જેમને આ મંજૂર ન હોય તે પોતાનો બાપ દેખાડે. શિવસેના મહારાષ્ટ્રના દુશ્મનોનું શ્રાદ્ધ કર્યા વગર રહેશે નહીં, પ્રોમિસ... જય હિંદ, જય મહારાષ્ટ્ર. આ ધમકીના પગલે કંગનાને તેના હોમ સ્ટેટ હિમાચલ પ્રદેશ સરકારે તેમજ ભારત સરકારે વિશેષ સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડ્યો છે.

કંગના - રાઉત વિવાદનું મૂળ

થોડા દિવસો પહેલાં કંગનાએ ટ્વિટ કરી હતી કે તે બોલિવૂડની ડ્રગ લિંક પર ઘણું બધું જાણે છે અને જો તેને સુરક્ષા મળે તો તે એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો)ની મદદ કરવા તૈયાર છે. કંગનાના આ ટ્વિટ બાદ ભાજપ નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. બીજી ટ્વિટમાં કંગનાએ લખ્યું હતુંઃ મને મુંબઈ પોલીસથી ડર લાગે છે. કંગના આ નિવેદન પર શિવસેના નેતા સંજય રાઉતે એવું જણાવ્યું હતું કે જો કંગનાને એટલો બધો ડર લાગતો હોય તો તેણે મુંબઈ ન આવવું જોઈએ. આ પછી રાઉત પર વળતો ઘા કરતાં કંગનાએ લખ્યું હતું કે મુંબઈ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) જેવું લાગે છે.

કંગના માફી માગે: મનસેની ધમકી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અમેય ખોપકરે એવું જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર કંગનાની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરીને તેની તાત્કાલિક ધરપકડ કરે. કંગનાને શરમ આવવી જોઈએ કે જે શહેરે તેને બધું જ આપ્યું તેને જ તે બદનામ કરી રહી છે. જો કંગના માફી નહીં માગે તો મનસેની મહિલા વિંગ તેને જરૂરથી પાઠ ભણાવશે. કંગના માનસિક રોગની શિકાર બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter