મુંબઈના જૂહુ વિસ્તારમાં રહેતા ગઝલ ગાયક તલત અઝીઝના ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શુક્રવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખું ઘર સળગીને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. થરમાં ધુમાડો ભરાઈ જવાને કારણે શ્વાસ રુંધાતાં 70 વષીય તલત અઝીઝ, તેમના પત્ની બીના (65), પુત્રો શાયાન (30) તથા અદનાન (25) તેમજ સિંકદર સિંહ (45) નામની એક વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવા પડયા હતા. રાહતની વાત એ છે કે સારવાર બાદ પાંચેયને શનિવારે જ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, સોફા અને સ્પ્લિટ એસી સહિત ઘરમું ઘણું રાચરલીલું સળગી ગયું હતું.
તલત અઝીઝનો પરિવાર આ એપાર્ટમેન્ટમાં 40 વર્ષથી રહે છે. આગ લાગ્યાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને થોડી જ વારમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. વીજ કંપનીના તેમજ નગર નિગમના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગમાં તલત અઝીઝના હાર્મોનિયમ અને તેમની પત્ની બીનાએ બનાવેલા ઘણા પેઇન્ટિંગ્સ સહિત ઘણો કિંમતી સામાન બળીને ખાક થઈ ગયો હોવાના પ્રાથમિક અહેવાલ છે. તલત અઝીઝ ગઝલ સંગીતની દુનિયાનું મશહૂર નામ છે. તેઓ ‘ફિર છિડી રાત...’, ‘ઝિંદગી જબ ભી તેરી બઝ્મ મેં લાતી હૈ હમેં...’ અને ‘આઈના મુઝસે મેરી પહલી સી સૂરત માંગે...’ સહિતની અનેક લોકપ્રિય ગઝલો માટે જાણીતા છે.


