સાઉથ ઈન્ડિયન બ્યુટી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા’માં કમાલની અદાકારી જોઈને દર્શકો તેના પર ફિદા થઇ ગયા છે. રાતોરાત શ્રીવલ્લીના દેશભરમાં કરોડો ફેન્સ બની ગયા છે. રશ્મિકાએ હવે અલ્લુ અર્જુન સાથે તેની આગામી ફિલ્મ ‘પુષ્પા 2’નું શૂટિંગ શરૂ કર્યું છે. રશ્મિકા અત્યારે ભલે અઢળક કમાણી કરતી હોય અને સફળતાના શીખરે બિરાજતી હોય, રશ્મિકા અને તેના પરિવારે અનેક મુશ્કેલીઓ વેઠી છે તે બહુ ઓછા લોકો જાણે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં રશ્મિકાએ બાળપણના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, અમે બહુ ખરાબ સમય જોયો છે. એક સમય એવો પણ હતો કે, ભાડું આપવાની તૈયારી હોવા છતાં અમને રહેવા માટે ઘર નહોતું મળતું. મને યાદ છે કે, મારા બાળપણના સમયે અમે લગભગ દર બે મહિને ઘર બદલતાં હતા. મારા પેરેન્ટ્સની ફાઈનાન્શિયલ પોઝિશન એટલી ખરાબ હતી કે, તેઓ મને કોઈ રમકડું લઈ આપવા માટે પણ સક્ષમ ન હતા. આ વાત હું બાળપણમાં જ સમજી ચૂકી હતી અને આ કારણે જ કોઈ વસ્તુ ખરીદવા માટે મેં કોઈ દિવસ માતા-પિતા આગળ જીદ નહોતી કરી.
આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, મેં કમાયેલા એક-એક પૈસાની હું ઈજ્જત કરું છું. એક એક્ટર તરીકે મને મારા કામથી જે ઓળખાણ મળી છે અને દર્શકોએ મને જે પ્રકારે આ સ્થાન સુધી પહોંચાડી છે તેની હું ઈજ્જત કરું છું. મહેનત શું છે તે મને ખબર છે અને આ કારણે જ હું મારા ફેન્સના પ્રેમને કોઈ દિવસ અવગણી શકું નહીં કેમ કે, તેમના કારણે જ હું અહીં સુધી પહોંચી છું. મારી બાળપણની આ બધી યાદોના કારણે જ હું સફળતાનું સન્માન કરું છું, અને આ સફળતા પણ જીવનભર મારી સાથે નથી રહેવાની તેની મને ખબર છે.