ન્યૂ જર્સીના આંગણે યોજાતો મેટ ગાલા શો વર્ષ - પ્રતિ વર્ષ વધુને વધુ ઝાકઝમાળભર્યો બની રહ્યો છે તે વાતનો પુરાવો તેમાં ભાગ લેનારા સ્ટાર્સની સંખ્યામાં જોવા મળી રહેલો વધારો દર્શાવે છે. મેટ ગાલા એક ચેરિટી ઇવેન્ટ છે અને ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યુટના લાભાર્થે યોજાય છે. આ મેગા ઇવેન્ટમાં અમેરિકન સેલિબ્રિટીઓની તો હાજરી તો હોય જ છે, પણ આ વખતે ભારતીય સેલિબ્રિટીઓ પણ તેમાં છવાઈ ગઈ હતી. બોલિવૂડ સ્ટાર્સની ઉપસ્થિતિ સવિશેષ નોંધનીય હતી તો રિલાયન્સ ગ્રૂપનાં ઇશા અંબાણીની ઉપસ્થિતિ પણ ઉડીને આંખે વળગતી હતી. ઇશા અંબાણી તેમની હાજરીની સાથે તેમણે પહેરેલા 15 કરોડ ડોલર (અંદાજે રૂ. 1300 કરોડ)ના નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ નેકલેસ એક સમયે નવાનગરના મહારાજાના ખજાનાનો હિસ્સો હતો. બોલિવૂડ તો ઠીક પણ હોલિવૂડ સહિતની અમેરિકન હસ્તીઓ પણ આ નેકલેસ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. બોલિવૂડમાંથી હોલિવૂડમાં જઇ પહોંચેલી પ્રિયંકા ચોપરાએ પણ તેના પતિ નિક જોનાસ સાથે હાજરી આપી હતી. તો કિયારા અડવાણીએ વ્હાઈટ ગાઉન ડ્રેસમાં વટ પાડી દીધો હતો. આ ઉપરાંત શાહરુખ ખાને પહેલી વખત મેટગાલામાં ભાગ લીધો હતો. તે મેટગાલામાં એન્ટ્રી મેળવનાર બોલિવૂડનો સૌપ્રથમ મેલ એક્ટર બન્યો છે. તેણે એકદમ કિંગ ઓફ બોલિવૂડની જેમ એન્ટ્રી કરી હતી. જોકે યુએસ મીડિયાનો બહુમતી વર્ગ તેને જાણતો ન હોવાથી શાહરુખને પૂછ્યું હતું કે ‘હું આર યુ?’ તો શાહરુખે પણ જેમ્સ બોન્ડ સ્ટાઈલમાં શાંતિથી જવાબ આપતા જણાવ્યું હતું કે ‘માય નેમ ઈઝ શાહરુખ’. જોકે તેને લઈને વિવાદ પણ થયો હતો કે ફોરેન મીડિયા ભારતીયોને લઈને પૂર્વગ્રહવાળુ વલણ ધરાવે છે. મેટગાલામાં હાજરી આપવા જે વ્યક્તિ પહોંચી હોય તે સન્માનિત અને પ્રતિષ્ઠિત તો હોય જ ને. શું આ સવાલ પૂછનારાઓ કંઈ પૂછતા પહેલાં થોડુંઘણું ગૂગલિંગ નહીં કરી શકતા હોય તેવું પણ સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ જણાવ્યું હતું. બોલિવૂડના સિંગર કમ અભિનેતા દિલજિત દોસાંજે એક મહારાજાની જેમ એન્ટ્રી કરી હતી. તેણે પંજાબી સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતા પંજાબી કિંગની જેમ એન્ટ્રી કરી હતી. તેણે પટિયાલાના રાજા સર ભૂપિન્દર સિંહને શ્રધ્ધાંજલિ આપતા તેમના જેવો પોષાક પહેર્યો હતો. બોલિવૂડના કલાકારની આ એન્ટ્રીએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત ભારતીય બિલિયોનેર સાયરસ પૂનાવાલાનાં પત્ની નતાશા ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રે જાણીતું નામ છે તો તેઓ જાણીતાં સોશ્યલાઇટ પણ છે. આ ઉપરાંત તે પોતાની આગવી ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતાં છે. તે અગાઉની મેટ ગાલામાં પણ હાજરી આપી ચૂકી છે. આ આ સિવાય ભારતીય મૂળનાં અમેરિકન ઉદ્યોગસાહસિક મોના પટેલે પણ ગ્લેમરસ હાજરી આપી હતી. તેમણે ગયા વર્ષે હાજરી આપીને બધાને ચોંકાવ્યા હતા. આ વખતે પણ તેણે ગ્લેમરસ હાજરી બધા કરતાં આગવી હતી. મોના પટેલ ગુજરાતના વડોદરાનાં છે અને અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યાં બાદ અમેરિકા સ્થાયી થયાં છે. તેમણે ત્યાં આઠેક જેટલી કંપનીઓ સ્થાપી છે અને તે સખાવતી પ્રવૃત્તિઓ માટે પણ જાણીતાં છે. તેમણે રોબોટિક ડોગ સાથે હાજરી આપી હતી. હોલિવૂડ સિંગર રિહાન્તાએ આ જ પ્રસંગે તેની ત્રીજી પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. હોલિવૂડની જાણીતી હસ્તીઓએ પણ આ પ્રસંગે ભાગ લીધો હતો.