ફેશનજગતના શિરમોર સમાન ઇવેન્ટ મેટ ગાલા 2026માં દુનિયાભરના સ્ટાર્સ પહોંચ્યા હતા, પરંતુ આ વખતેય ભારતીયો છવાઇ ગયા હતા. ભારત તરફથી અંબાણી પરિવારનાં ઇશા અંબાણી, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા જેવા સ્ટાર્સ રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. પહેલી વખત મેટ ગાલામાં પહોંચેલા પ્રોડ્યુસર-ડાયરેક્ટર કરણ જૌહરે આ વખતે પોતાના વસ્ત્રો મારફત રાજા રવિ વર્માનો વારસો રજૂ કર્યો હતો. જ્યારે ઇશા અંબાણીનો લુક પારિવારિક પ્રેમની ઝાંખી રજૂ કરતો હતો. ઇશા ગોલ્ડન સાડી અને આકર્ષક કેપમાં રેડ કાર્પેટ પર ઉતરી હતી. સૌરવ ગુપ્તાએ ડીઝાઇન કરેલી આ સાડી સોનાના દોરાથી વણાયેલી છે. ઇશાએ હેન્ડવર્કથી તૈયાર થયેલી જવેલરી બ્લાઉઝ પર એટેચ કરી હતી. ભારતીય બિલિયોનેર સુધા રેડ્ડીની હાજરીએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું કેમ કે તેણે રૂ. 142 કરોડનો નેકલેસ પહેર્યો હતો. આ ઉપરાંત ઇવેન્ટમાં આદિત્ય બિરલા ગ્રૂપનાં ડાયરેક્ટર અનન્યા બિરલા કસ્ટમ મેડ ગાઉનમાં રેડ કાર્પેટ પર ઉતર્યા હતા અને તેણે આકર્ષક માસ્ક પહેર્યો હતો.


