વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની અંતરંગ વાતો જાણવા અને તેમના સાહસિક નિર્ણયો સાથે સંકળાયેલા પાસાઓની જાણકારી મેળવવા સહુ કોઇ ઉત્સુક રહે છે. તેમની આ લોકપ્રિયતાને ધ્યાને રાખીને બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર પ્રેરણા અરોરાએ તેમની બાયોપિક બનાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મહાનાયક અમિતાભ બચ્ચન વડાપ્રધાનની ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા છે. પ્રેરણાના નામે ‘ટોઈલેટ: એક પ્રેમકથા’, ‘પેડમેન’ અને ‘પરમાણુ’ જેવી ફિલ્મો બોલે છે. ઓડિયન્સને એન્ટરટેઈનમેન્ટની સાથે પ્રેરણાદાયી મેસેજ આપવાનો તેમનો ઉદ્દેશ દરેક ફિલ્મમાં જોઈ શકાય છે. વડાપ્રધાન પર બાયોપિક બનાવવાના નિર્ણય અંગે પ્રેરણા કહે છે કે, મોદી કરતાં વધારે મોટા હીરો કોઈ નથી. ભારત દેશમાં મોદી સૌથી વધુ ડાયનેમિક, હેન્ડસમેસ્ટ અને સક્ષમ વ્યક્તિ છે.
ઓનસ્ક્રિન મોદીના કેરેક્ટરની વાત કરતાં તે કહે છે કે, તેમાં માત્ર અમિતાભ બચ્ચન જ ફિટ બેસે છે. તેઓ ‘બિગ બી’ને લીડ રોલ આપવા માગે છે. જોકે અમિતાભ બચ્ચન તરફથી આ મામલે હજુ જવાબ આવ્યો નથી. અગાઉ નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકમાં વિવેક ઓબેરોયનો લીડ રોલ હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી. આ ઉપરાંત મોદીના જીવન પર વેબસિરીઝ પણ બની ચૂકી છે. જોકે પ્રેરણાને ખાતરી છે કે તે બાયોપિકમાં વડાપ્રધાન મોદીના પાત્રને સંપૂર્ણ ન્યાય આપી શકશે.