મોહમ્‍મદ રફીએ જ્‍યારે હંમેશા માટે ફિલ્‍મી પાર્શ્વગાયન છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો...

(ફ્લેશબેક)

Sunday 16th August 2026 08:05 EDT
 
 

‘તમે મુસ્‍લિમ છો... અને ફિલ્‍મો માટે ગાઓ છો? આ તો બહુ મોટું પાપ છે. ખુદા તમને ક્‍યારેય માફ નહીં કરે.’ કહેવાય છે કે મક્કાની હજ યાત્રા દરમિયાન એક ધાર્મિક વિદ્વાને મોહમ્‍મદ રફી સાહેબને કહેલા આ શબ્‍દોએ મહાન ગાયકને એટલા ઊંડે સુધી હચમચાવી દીધા કે તેમણે હંમેશ માટે ફિલ્‍મી પાર્શ્વગાયન છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો...!

આ વાત લગભગ અવિશ્વસનીય લાગે છે, પરંતુ એક સમય એવો પણ આવ્‍યો હતો જ્‍યારે મોહમ્‍મદ રફી સાહેબે ખરેખર ગાયન છોડી દેવાનું ગંભીરતાપૂર્વક નક્કી કર્યું હતું. તેનું કારણ કોઈ બીજા ગાયકની વધતી લોકપ્રિયતા કે પોતાની ખ્‍યાતિમાં આવેલો ઘટાડો નહોતો, પરંતુ એક આધ્‍યાત્‍મિક વાતચીતે તેમના કોમળ હૃદયને અંદર સુધી ઝંઝોળી નાખ્‍યું હતું. મક્કાની હજ દરમિયાન એક ધાર્મિક વિદ્વાને રફી સાહેબને કથિત રીતે કહ્યું હતું કે, ‘સંગીતના ક્ષેત્રમાં કામ કરવું યોગ્‍ય માર્ગ નથી. આ બહુ મોટી ભૂલ છે અને ખુદા તેને મંજૂર નહીં કરે.’ આ શબ્‍દોની તેમના મન પર ખૂબ ઊંડી અસર પડી. તેમના પુત્ર શાહિદ રફીના જણાવ્‍યા મુજબ, રફી સાહેબ હજથી પરત ફર્યા ત્‍યારે તેમના હૃદયમાં ભારે મનોમંથન ચાલી રહ્યું હતું. ભારત પહોંચતા સુધીમાં તો તેમણે ફરી ક્‍યારેય ન ગાવાનો નિર્ણય કરી લીધો હતો.

કોઈ પણ જાતની જાહેરાત કર્યા વિના રફી સાહેબ પોતાના બાળકો સાથે રહેવા માટે શાંતિથી લંડન ચાલ્‍યા ગયા. તેમનું માનવું હતું કે તેઓ મુંબઈથી દૂર રહેશે તો ફિલ્‍મ નિર્માતાઓ અને સંગીતકારો તેમનો સંપર્ક કરવાનું બંધ કરી દેશે. બીજી તરફ, ભારતના અનેક અગ્રણી સંગીતકારો તેમના ઘરે આવતા રહ્યા, પરંતુ તેમને જાણવા મળ્‍યું કે જે અવાજ પર તેઓ વિશ્વાસ રાખતા હતા તે જાણે અચાનક ગાયબ થઈ ગયો હતો!

કેટલાક મહિના બાદ જ્‍યારે તેમના બાળકોએ ભારત પાછા ન ફરવાનું કારણ પૂછ્‍યું, ત્‍યારે રફી સાહેબે જણાવ્‍યું કે તેમણે કાયમ માટે નિવૃત્તિ લઈ લીધી છે. આ નિર્ણય સાંભળીને બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે રફી સાહેબને સમજાવ્‍યું કે તેમનો અસાધારણ અવાજ માત્ર વ્‍યવસાય નથી, પરંતુ ખુદાએ આપેલી એક અનમોલ ભેટ છે.
ત્‍યારબાદ તેઓ રફી સાહેબને લંડનમાં એક બીજા આદરણીય ધાર્મિક વિદ્વાન પાસે લઈ ગયા. તે વિદ્વાને તેમને બિલકુલ જુદી દૃષ્ટિ આપી. તેમણે કહ્યું કે જો પરમાત્‍માએ તમને આવો દુર્લભ અને સુંદર અવાજ આપ્‍યો છે, તો તેને લાખો લોકો સુધી પહોંચાડવો એ પણ પરમાત્‍મા પ્રત્‍યેની કૃતજ્ઞતા અને ભક્‍તિનું જ એક સ્‍વરૂપ છે...
મુંબઈ પરત ફર્યા બાદ રફી સાહેબ સૌપ્રથમ મહાન સંગીતકાર નૌશાદને મળ્‍યા. નૌશાદે પણ તેમને સમજાવ્‍યું કે આવી અમૂલ્‍ય ઈશ્વરીય ભેટને મૌન ન થવા દેવી જોઈએ. ત્‍યારબાદ આવ્‍યું તે ગીત, જેને ભારતીય ફિલ્‍મસંગીતના ઇતિહાસમાં રફી સાહેબની ભવ્‍ય વાપસીનું પ્રતીક માનવામાં આવ્‍યું. ‘આજ મૌસમ બડા બેઈમાન હૈ...’, જે ધર્મેન્‍દ્ર પર ફિલ્‍માવવામાં આવ્‍યું હતું. આ ગીત અતિ લોકપ્રિય બન્‍યું અને દુનિયાને જાણે જાહેર કરી દીધું કે મોહમ્‍મદ રફી ફરી પાછા આવી ગયા છે.

વર્ષોસુધી મોટા ભાગના લોકો માનતા રહ્યા કે રફી સાહેબની થોડા સમયની ગેરહાજરીનું કારણ ફિલ્‍મ ‘આરાધના’ પછી કિશોર કુમારની વધતી લોકપ્રિયતા હતી, પરંતુ શાહિદ રફીએ આ માન્‍યતાને સ્‍પષ્ટપણે નકારી હતી. તેમના જણાવ્‍યા મુજબ, આ બંને મહાન ગાયકો વચ્‍ચે ક્‍યારેય કોઈ દુશ્‍મની કે કટુ સ્‍પર્ધા નહોતી. હકીકતમાં તો તેઓ એકબીજાનો ખૂબ આદર કરતા, સાથે ગાવાનો આનંદ માણતા અને અંગત જીવનમાં પણ સારા મિત્રો હતા.
ક્‍યારેક ઇતિહાસ તાળીઓ કે પુરસ્‍કારોથી નહીં, પરંતુ માત્ર એક વાતચીતથી બદલાઈ જાય છે. આ કિસ્સામાં પણ આવું જ બન્યું હતું. મોહમ્‍મદ રફીના જીવનની વાત કરીએ તો, એક ધાર્મિક વિદ્વાનની વાતે તેમનો અવાજ દુનિયાથી લગભગ છીનવી લીધો હતો, જ્‍યારે બીજા વિદ્વાને તેમને યાદ અપાવ્‍યું કે આ અવાજ ઈશ્વરની એવી ભેટ છે, જે સદાય દુનિયા સુધી પહોંચતી રહેવા માટે જ આપવામાં આવી છે... (સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતીના આધારે...)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter