ટીવી અને હિન્દી ફિલ્મઉદ્યોગની જાણીતી અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર જોર પકડી રહી હતી. હવે મૌની રોયે પોતે આ મામલે મૌન તોડયું છે અને એક પોસ્ટ શેર કરીને મીડિયા તેમજ ચાહકોને ખાસ વિનંતી કરી છે. મૌની રોયે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે તેની અંગત જિંદગી વિશે ચાલી રહેલી ચર્ચાઓ પર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું હતુંઃ ‘હું તમામ મીડિયા હાઉસને હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ ખોટી સ્ટોરીઓ ન છાપે અને અમને થોડી સ્પેસ અને પ્રાઈવસી આપોસ પ્લીઝ.’ જોકે છૂટાછેડાની આ અફવા કેવી રીતે શરૂ થઈ? જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે જોયું કે મૌની રોય અને સૂરજ નામ્બિયારે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા છે ત્યારે આ વાત ચગી હતી. સાથે જ એવા પણ અહેવાલો હતા કે સૂરજ નામ્બિયારે પોતાના એકાઉન્ટ પરથી લગ્નની તસવીરો પણ ડિલીટ કરી નાંખી છે અને ત્યારબાદ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ કરી દીધું હતું. આ બાબતોને કારણે ચાહકોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે આ કપલ વચ્ચે કંઈક બરાબર નથી.


