રજનીકાંત 24 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક

Tuesday 05th March 2024 10:22 EST
 
 

કોરોના મહામારી બાદના અરસામાં પાન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો છે. બોલિવૂડ અને સાઉથની ઈન્ડસ્ટ્રીએ એકબીજા સાથે સ્પર્ધા કરવાના બદલે સહકારથી આગળ વધવા નિર્ણય લીધો છે. પ્રભાસ અને યશના આગમન પહેલા પણ સાઉથના સ્ટાર્સની સમગ્ર દેશમાં બોલબાલા હતી. રજનીકાંત જેવા કલાકારો સાઉથ ઉપરાંત નોર્થ ઈન્ડિયા સુધી બહોળો ચાહક વર્ગ ધરાવે છે. રજનીકાંતે 24 વર્ષથી બોલિવૂડની કોઈ ફિલ્મ કરી નથી, પરંતુ હવે તેઓ આ વનવાસ પૂરો કરવાના છે. જાણીતા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ રજનીકાંત સાથે ફિલ્મ એનાઉન્સ કરી છે. સાજિદ નડિયાદવાલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રજનીકાંત સાથેનો ફોટોગ્રાફ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં જણાવ્યુ હતું, ‘મહાન રજનીકાંત સર સાથે કોલાબરેટ કરવાની તક એક સન્માન સમાન છે. અમે એક સાથે આ અવિસ્મરણીય સફર પર નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ...’
સલમાન ખાન સાથે ‘કિક’ ફિલ્મ ડાયરેક્ટ કરનારા સાજિદે પ્રોડ્યુસર તરીકે વરુણ ધવન સાથે ‘બવાલ’ બનાવી હતી. રજનીકાંતની પાન ઈન્ડિયા ફિલ્મ ‘લાલ સલામ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રજનીકાંતનો લીડ રોલ નથી, પરંતુ સ્પેશિયલ રોલ છે. રજનીકાંતની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ‘બુલંદી’ હતી. અનિલ કપૂર અને રવિના ટંડન સાથેની આ ફિલ્મ 2000ના વર્ષમાં રિલીઝ થઈ હતી. ત્યારબાદ રજનીકાંતની ઘણી ફિલ્મો હિન્દી ડબિંગ રિલીઝ થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter