રજનીકાંતને દાદાસાહેબ ફાળકે સન્માન

Wednesday 07th April 2021 06:39 EDT
 
 

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ૫૧મા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. ભારતીય ફિલ્મજગતમાં સર્વોચ્ચ સન્માન ગણાતા દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટરના માધ્યમથી કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતુંઃ ભારતીય સિને જગતના ઇતિહાસના મહાન અભિનેતા રજનીકાંતજીને ૨૦૧૯ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનતા હું આનંદ અનુભવું છું. એક અભિનેતા, નિર્માતા તેમજ સ્ક્રીનરાઈટર તરીકેનું તેમનું યોગદાન અદ્વિતીય છે.’ આશા ભોસલે, મોહન લાલ, વિશ્વજીત ચેટરજી, શંકર મહાદેવન અને સુભાષ ઘઇની બનેલી જ્યૂરીએ એવોર્ડ માટે સર્વાનુમતે રજનીકાંતનું નામ પસંદ કર્યું હતું. ભારતીય ફિલ્મ જગતના પિતામહ દાદાસાહેબ ફાળકે (ધુન્ડીરાજ ગોવિંદ ફાળકે)ની યાદગીરીમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપનાર વ્યક્તિને એવોર્ડ અપાય છે. એવોર્ડમાં સોનાનું કમળપુષ્પ અને રૂ. ૧૦ લાખ રોકડ સામેલ છે. રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવાની અને અલગ રાજકીય પક્ષ સ્થાપવા જાહેરાત કરી હતી. ગયા જાન્યુઆરીમાં તેઓ નવો પક્ષ રચવાના હતા. જોકે નાદુરસ્ત તબિયત અને મહામારીને કારણે રાજકારણમાં નહીં જોડવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન મોદીએ ‘થલાઈવા’ને અભિનંદન આપતા ટ્વિટ કર્યું હતું, ‘અનેક પેઢીઓમાં લોકપ્રિય, ગર્વ લઈ શકાય તેવાં કાર્યમાં સતત સક્રિય રહેતું શરીર સૌષ્ઠવ, જુદી જુદી ભૂમિકાનાં અદાકાર ને લોકપ્રિય સ્થાયી વ્યક્તિત્વ ધરાવતા શ્રી રજનીકાંતજી... થલાઈવાને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનાશે તે જાણીને ખૂબ આનંદ થયો. તેમને ખૂબ ખૂબ અભિનંદન...’
૭૦ વર્ષના રજનીકાંતે દક્ષિણ ભારતના ફિલ્મ જગતમાં મહત્ત્વનું યોગદાન કર્યું છે. તેઓ લોકપ્રિય ફિલ્મ સ્ટાર, પ્રોડ્યુસર અને સ્ક્રીનરાઇટર છે. ગયા ઓગસ્ટમાં તેમણે ફિલ્મ ક્ષેત્રે ૪૫ વર્ષની અભિનય કારકિર્દી પૂરી કરી હતી. તેમણે ૧૬૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે તેઓ તામિલ ફિલ્મ ‘અન્નથે’નું શૂટિંગ શરૂ કરવાના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter