રજનીકાંતે રચ્યો ઇતિહાસ! રૂ. 160 કરોડની OTT ડીલ

Wednesday 26th August 2026 05:18 EDT
 
 

દક્ષિણ ભારતીય સિનેમાના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’એ રિલીઝ થતાં પહેલાં જ મોટો રેકોર્ડ બનાવ્યો છે. નેલ્સન દિલીપકુમારના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મે રૂ. 160 કરોડની OTT ડીલ મેળવી હોવાનું કહેવાય છે. આ ડીલને 2026ની સૌથી મોટી નોન-થિયેટ્રિકલ ડીલ તેમજ તમિલ ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી નોન-થિયેટ્રિકલ ડીલ ગણાવાય છે.
રજનીકાંતના 50 વર્ષ લાંબા સ્ટારડમ વચ્ચે આવી રહેલી ‘જેલર 2’ 2023માં આવેલી કલ્ટ હિટ ‘જેલર’ની સિક્વલ છે. પ્રથમ ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ સિક્વલ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાં સામેલ છે. એક રિપોર્ટ મુજબ, ફિલ્મે એક સ્ટ્રીમિંગ પાર્ટનર પાસેથી 160 કરોડ મેળવ્યા છે. એક સુત્રએ જણાવ્યું, ‘આ 2026ની સૌથી મોટી નોન-થિયેટ્રિકલ ડીલ છે અને તમિલ ફિલ્મ માટે અત્યાર સુધીની પણ સૌથી મોટી ડીલ છે. આ ડીલ ‘લીઓ’ને પાછળ છોડી રહી છે. રજનીકાંત પોતાની છેલ્લાં 15 વર્ષમાં સૌથી વધુ લોકપ્રિય થયેલી ફિલ્મની સિક્વલ સાથે ફરી એકવાર પોતાની સુપરસ્ટાર શક્તિ બતાવી રહ્યા છે.’
અહેવાલ મુજબ, ‘જેલર 2’એ આ વર્ષે અત્યાર સુધીની સૌથી મોટી નોન-થિયેટ્રિકલ ડીલનો રેકોર્ડ પોતાના નામે કરીને ‘કિંગ’ને પણ પાછળ છોડી છે. જોકે, આ ઐતિહાસિકમાં સ્ટ્રીમિંગ અધિકારો ઉપરાંત અન્ય નોન-થિયેટ્રિકલ હકોનો સમાવેશ થાય છે કે નહીં, તેની વધુ વિગતો હજુ સામે આવવાની બાકી છે.
આ ડીલ દર્શાવે છે કે OTT પ્લેટફોર્મ્સ રજનીકાંતની બ્રાન્ડ વેલ્યુ અને ‘જેલર’ ફ્રેન્ચાઇઝીની લોકપ્રિયતા પર કેટલો મોટો દાવ લગાવી રહ્યા છે. ‘જેલર 2’ ઓક્ટોબર 2026માં રિલીઝ થવાની શક્યતા છે. નિર્માતાઓ હવે ફિલ્મના થિયેટ્રિકલ પ્રમોશનની શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter