ગોવામાં આયોજિત 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇંડિયા (IFFI) - 2025ના સમાપન સમારોહમાં રજનીકાન્તને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અભિનેતા સાથે પત્ની અને બે પુત્રીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા પણ હાજર રહ્યા હતા. ગોવાના મુખ્યમંત્રીએ રજનીકાન્તને શાલ અને સ્મૃતિ ચિહ્ન આપીને સમ્માનિત કર્યા હતા. રજનીકાન્તે આ પુરસ્કાર અને સમ્માનને સિનેમા ઉદ્યોગ અને તમિલ લોકોને સમર્પિત કર્યો હતો.
74 વર્ષીય અભિનેતાએ તેની કારકિર્દીમાં તમિલ, હિંદી, તેલુગુ કન્નડ, મલયાલમ અને બંગાળી સિનેમાની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાએ કહ્યું હતું કે, મારી કારકિર્દીને 50 વરસ થયા છે. પરંતુ ભૂતકાળમાં ડોકિયું કરતાં મને લાગે છે કે, હજી 10-15 વરસથી જ હું ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયો છું. મને ફરી જન્મ લેવાની તક મળશે તો ફરી એક્ટર તરીકે જ જન્મ લેવાનું મને ગમશે. હાલ રજનીકાન્ત ‘જેલર-ટુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.


