રણદીપ હૂડા યુએન એમ્બેસેડર પદેથી હટાવાયો

Thursday 26th August 2021 10:06 EDT
 
 

રણદીપ હુડા હાલ વિવાદોમાં ફસાઇ ગયો છે. તેણે બહુજન સમાજ પાર્ટીનાં નેતા અને ઉત્તર પ્રદેશની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી પર નવ વર્ષ પહેલાં કરેલો આપત્તિજનક કટાક્ષ તેને નડી ગયો છે. રણદીપની આ રમૂજ સોશિયલ મીડિયા પર જોવા મળતા માયાવતીના સમર્થકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો તેમજ તેની ધરપકડની પણ માંગણી કરી હતી. તેના આ જોકને સેક્સિએસ્ટ અને જાતિવાદી ગણાવવામાં આવ્યો હતો. હવે આ વિવાદના વંટોળના પગલે રણદીપને યુનાઇટેડ નેશનના જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સમ્મેલન (સીએમએસ)ના એમ્બેસેડર પદેથી દૂર કરવામાં આવ્યો છે. રણદીપ વિરુદ્ધ આ પગલું એક વીડિયો વાયરલ થયા પછી ઉઠાવામાં આવ્યું છે, જેમાં તે માયાવતીની મજાક કરતો જોવા મળે છે. અલબત્ત, આ વીડિયો ૨૦૧૨નો છે, પણ યુએન અધિકારીઓ કોઇ વિવાદમાં પડવા માગતા નહોતા. સીએમએસ સેક્રેટરિયટે જણાવ્યું હતું કે, હાલમાં એક વીડિયો અમને જોવા મળ્યો હતો. જોકે આ વીડિયો બહુ જુનો વીડિયો છે, ૨૦૧૨ના સાલનો છે. અમે રણદીપને એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો હતો ત્યારે અમને આ વીડિયો વિશે કોઇ જાણકારી નહોતી. હવે જાણ્યા પછી અમે તેને તરત જ આ પદથી દૂર કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter