રણબીર સંસ્કારી સંતાન, રામના પાત્ર માટે શ્રેષ્ઠઃ અરુણ ગોવિલ

Sunday 31st March 2024 13:01 EDT
 
 

રણબીર કપૂર આગામી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ અંગે અરુણ ગોવિલને પૂછાયું કે શું તેમને લાગે છે કે, રણબીર કપૂર ‘રામ’ના પાત્ર સાથે ન્યાય કરી શકશે? ત્યારે અરુણ ગોવિલે કહ્યું ‘જુઓ તે કરી શકશે કે નહીં એ તો સમય જ કહેશે. કોઈના વિશે અગાઉથી કંઈ કહી શકાય નહીં, પરંતુ જો હું રણબીર કપૂર વિશે વાત કરું તો તે એક અદ્ભુત અભિનેતા છે. તે એવોર્ડ વિજેતા અભિનેતા છે. હું રણબીરને જેટલો ઓળખું છું. તે ખૂબ જ મહેનત કરે છે અને સંસ્કારી બાળક છે. મેં તેને ઘણી વખત જોયો છે. તેમની અંદર મૂલ્યો અને સંસ્કૃતિ છે. એટલા માટે મને લાગે છે કે તે આ રોલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે.‘ ‘રામાયણ’ની વાત કરીએ તો આ ફિલ્મ 2025માં દિવાળીના અવસર પર રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે જ્યારે સાઈ પલ્લવી સીતાજીના રોલમાં જોવા મળશે. રાવણ માટે, અલબત્ત, નિર્માતાઓ ‘કેજીએફ’ના ‘રોકી ભાઈ’ ફેમ યશ સાથે વાત કરી રહ્યા છે. હનુમાન માટે સની દેઓલને કાસ્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મના લીડ સ્ટાર્સનું શૂટિંગ માર્ચથી શરૂ થશે. સૂત્રોનું માનીએ તો રાવણનું પાત્ર ભજવનાર યશ આ ફિલ્મનું શૂટિંગ જૂન કે જુલાઈથી શરૂ કરશે. ‘રામાયણ’ના પહેલા ભાગનું શૂટિંગ જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે. નિર્માતાઓએ આ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન માટે દોઢ વર્ષનો સમય નક્કી કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter