સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શનિવારે બીજી વખત માતાપિતા બન્યા છે. તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. આ ખુશખબર શેર કરતા કપલે ઈન્સ્ટાગ્રામ પર નવજાત બાળકીના પગના નિશાન (ફુટપ્રિન્ટ)ની એક સુંદર તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતુંઃ ‘બેબી ગર્લનું સ્વાગત છે’.
રણવીર-દીપિકાને ત્યાં દીકરીનો જન્મ થયાનું જાણી તેમના પર અભિનંદન વર્ષા શરૂ થઇ હતી. અભિનેત્રી કૃતિ સેનને લખ્યું હતું કે, ‘અરે વાહ, તમને બંનેને અભિનંદન. દુઆને નાની બહેન મળી ગઇ. કેટલા મોટા આશીર્વાદ છે.’ સિંગર શ્રેયા ઘોષાલે કોમેન્ટ સેક્શનમાં અભિનંદન આપીને રેડ હાર્ટ ઈમોજી બનાવ્યું હતું. અભિનેત્રી કૃતિ ખરબંદાએ રેડ હાર્ટ ઇમોજી સાથે અભિનંદન આપ્યા હતા. ડિઝાઈનર મસાબા ગુપ્તાએ લખ્યું કે, ‘બે પુત્રી, બીજું શું જોઈએ?’ ઇન્ડસ્ટ્રીના અન્ય લોકોએ પણ કોમેન્ટ બોક્સમાં અભિનંદન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કપલે ગત 19 એપ્રિલે સોશિયલ મીડિયા પર પોતાની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી, જેમાં તેમની મોટી દીકરી દુઆ હાથમાં પોઝિટિવ પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટ પકડેલી જોવા મળતી હતી. વર્ષ 2018માં લગ્નબંધને બંધાયાના છ વર્ષ બાદ 8 સપ્ટેમ્બર 2024ના રોજ દીપિકા અને રણવીરને ત્યાં પ્રથમ દીકરી દુઆનો જન્મ થયો હતો.
શાહી કુર્તામાં પાટણના પટોળાની ભાત
દીપિકાએ દીકરીને જન્મ આપવાના એક દિવસ પહેલા જ એટલે કે શુક્રવારે પતિ રણવીર સાથે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરે બપ્પાના દર્શન કર્યા હતા. આ સમયે દીપિકાના ટ્રેડિશનલ દેશી લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે સ્ટાઈલ અને કમ્ફર્ટનું અદ્ભુત કોમ્બિનેશન ધરાવતો કસ્ટમ કુર્તો પહેર્યો હતો, જેનો સીધો સંબંધ આપણા ગુજરાતની ભાતીગળ અને સમૃદ્ધ વારસા સાથે જોડાયેલો છે. દીપિકાએ ડિઝાઈનર મયૂર ગિરોત્રાના કલેક્શનમાંથી ગુજરાતની આગવી ઓળખ જેવી 900 વર્ષથી પણ વધુ જૂની પાટણના પટોળાની કળાથી સજ્જ કસ્ટમ કુર્તો પસંદ કર્યો હતો. પાટણનું ડબલ ઇકત પટોળું એ માત્ર વસ્ત્ર નથી પરંતુ ગુજરાતના રાજવી વારસા, કલા અને ગૌરવનું પ્રતીક છે. ટ્રેડિશનલ લુકને પૂર્ણ કરવા દીપિકાએ સ્લીક બન સાથે ગજરો, નાના ઝુમકા અને ક્યૂટ નાની બિંદી લગાવી હતી.


