રણવીર - ફરહાન વિખવાદમાં ‘ભાઇજાન’ની મધ્યસ્થી

Tuesday 02nd June 2026 09:37 EDT
 
 

સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગોડફાધર બની રહ્યો છે. તે ભૂતકાળમાં પણ મુશ્કેલીમાં રહેલા ઇન્ડસ્ટ્રીના લોકોની મદદ કરતો રહ્યો છે, અને આજે પણ તે હંમેશા સહુકોઇને મદદરૂપ બનવા તત્પર હોય છે. હાલ ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ‘ડોન 3’ મુદ્દે ફિલ્મ ઉદ્યોગ બે પક્ષમાં વહેંચાઈ ગયો છે ત્યારે સલમાન હવે આ વિવાદનું નિરાકરણ લાવવા મધ્યસ્થી કરવા આગળ આવ્યો છે.

એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે, ‘સલમાન ખાનને રણવીર સિંહ ગમે છે એટલો જ તેને ફરહાન અખ્તર પણ ગમે છે. તેણે બંને પક્ષોને ફોન કર્યો અને બંનેને એકબીજાના કામને નુકસાન કર્યા વિના વિવાદનું નિરાકરણ લાવવા કહ્યું છે. તેણે ફરહાનને સમજાવ્યું કે બે પક્ષ વચ્ચે સર્જનાત્મક મતભેદ હોવો એ પહેલાંથી જ ઇન્ડસ્ટ્રીનો એક મુદ્દો રહ્યો છે. સાથે સાથે જ તેણે રણવીર સાથે પણ લાંબી ચર્ચા કરીને તેનો પક્ષ સમજવાની કોશિશ કરી હતી. આમ તે બંને પક્ષ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યો છે, જેથી એક પણ જૂથને એવું ન લાગે કે તેમની વિરુદ્ધ કોઈ ષડયંત્ર થઇ રહ્યું છે કે તેમને કોઈ નુકસાન થાય તેમ છે.’
સુત્રના કહેવા પ્રમાણે સલમાને બંને પક્ષને એક ઇન્ડસ્ટ્રી તરીકે વિચારીને આગળ વધવા કહ્યું છે અને આ વિવાદ શાંત થાય પછી કોઈ બીજી ફિલ્મમાં સાથે કામ કરવા કહ્યું છે. ફરહાન અને રણવીર બંનેએ સલમાનની વાત ગંભીરતાથી લીધી છે અને કોઈ વિવાદ ઉભો કર્યા વિના શાંતિથી અને સમજપૂર્વક કોઈ એક નિરાકરણ પર આવવા વિચારે છે. સલમાન નથી ઇચ્છતો કે બંનેમાંથી કોઈ પણ એક પક્ષે કોઈ કાયદાકીય લડતમાં ઉતરવું પડે અને એ ઇચ્છે છે કે કોઈ ફિલ્મ સંગઠનને પણ કોઈ અધુરી માહિતીવાળા નિર્ણયોમાં સામેલ થવું પડે. તેણે બંને પક્ષોને કોઈ ત્રીજા પક્ષને સામેલ કર્યા વિના અરસપરસ જ વાતચીત કરીને નિરાકરણ લાવવા સમજાવ્યા છે. એટલું જ નહીં, સલમાને ફરહાનને નુકસાનમાં મદદ કરવા પણ તૈયારી દર્શાવી છે તો રણવીરને પણ ‘ધુરંધર’ની સફળતાનો લાભ લઇને કોઈ નવી ફિલ્મ સ્વીકારવા કહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter