અભિનેતા રણવીર સિંહનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં તે આ વર્ષની સૌથી સફળ ફિલ્મોમાંની એક એવી ‘કાંતારા - અ લિજેન્ડ ચેપ્ટર-1’ના વખાણ કરતો દેખાય છે. તે આ વખાણ ફિલ્મના એક્ટર-ડાયરેક્ટર ઋષભ શેટ્ટીની હાજરીમાં કરી રહ્યો હોય છે. જોકે, આ વખાણમાં જ રણવીર કંઈક એવું બોલી ગયો કે જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર ભડક્યા છે.
વીડિયો ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) ઇવેન્ટની ક્લોઝિંગ સેરેમનીનો છે. આ દરમિયાન તેમણે ‘કાંતારા ચેપ્ટર-1’ ફિલ્મના અને મુખ્ય અભિનેતા ઋષભ શેટ્ટીના ભરપૂર વખાણ કર્યા પણ સાથે સાથે કર્ણાટકના તુલુ સમાજના દેવી ચામુંડાને ભૂત કહી દીધા, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેમના પર ભડક્યા છે.
રણવીર વીડિયોમાં બોલે છે કે, મેં તમારી ફિલ્મ થિયેટરમાં જોઈ હતી. તમારું પરફોર્મન્સ શાનદાર હતું. ખાસ કરીને જ્યારે તમારા શરીરમાં ફીમેલ ભૂત આવી જાય છે ત્યારે... રણવીર આગળ એ સીન રીક્રિએટ કરતો દેખાય છે, જેમાં ઋષભ શેટ્ટીના શરીરમાં ચામુંડા મા આવે છે. રણવીરે જે રીતે આ એક્ટ કર્યું એ જોઈને ઋષભ હસી પડયો હતો, પરંતુ પાછળ બેઠેલા લોકો ઘણા નિરાશ દેખાયા.
સોશિયલ મીડિયા પર યુઝર્સે લખ્યું કે રણવીરે ચામુંડા માને ભૂત કહીને તેમની મજાક ઉડાવી. તે ‘ધુરંધર’ ફિલ્મ માટે મુશ્કેલીઓ વધારવા ઘણી મહેનત કરી રહ્યો છે. તેને શરમ આવવી જોઇએ.


