ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન થ્રી’ શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલાં જ છોડી દેવા બદલ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા રણવીર સિંહ પર લદાયેલો પ્રતિબંધ હવે પાછો ખેંચી લેવાયો છે. રણવીરે પણ આવો પ્રતિબંધ જાહેર કરવા બદલ ફેડરેશનને લીગલ નોટિસ ફટકારી હોવાના અહેવાલ વહેતા થયા હતા. તે પછી તરત જ ફેડરેશન દ્વારા પ્રતિબંધ પાછો ખેંચવાની જાહેરાત થઈ હતી.
ફેડરેશને એક યાદીમાં જણાવ્યું હતું કે ઈન્ડિયન મોશન પિકચર પ્રોડયૂસર્સ એસોસિએશન (‘ઈમ્પા’)એ અમને આ વિવાદનો રચનાત્મક ઉકેલ લાવવા અપીલ કરતાં તેને માન આપીને અમે અગાઉ જાહેર કરાયેલા નોન કો ઓપરેટિવ ડિરેક્ટિવને પાછો ખેંચીએ છીએ.
જોકે, બોલિવૂડના વર્તુળોના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધ જાહેર થયા બાદ ફેડરેશનના હોદ્દેદારોની ચોમેર ટીકા થઈ હતી. અનેક લોકોએ એવો અભિપ્રાય આપ્યો હતો કે અગાઉ પણ અનેક કલાકારો ફિલ્મ છોડી ચૂક્યા છે તે વખતે ફેડરેશને આવું કડક પગલું જાહેર કર્યું નથી તો રણવીરના કેસમાં જ કેમ આવો નિર્ણય લેવાયો છે. સૂત્રોના કહેવા મુજબ હકીકત તો એ પણ હતી કે ફેડરેશન આ પ્રતિબંધનો અમલ કરાવવા માટે સક્ષમ પણ ન હતું.


