તાજેતરમાં રાખી સાવંત મુંબઇ એરપોર્ટ પર ખુલ્લા પગે જોવા મળી હતી. તેને આમ જોઈ ફોટોગ્રાફર્સને પણ નવાઈ લાગી હતી. આથી જ્યારે તેને આની પાછળનું કારણ પૂછ્યું ત્યારે તેણે સલમાન ખાનનું નામ આપ્યું હતું. તેણે ‘દબંગ ખાન’ માટે માનતા રાખ્યાનું શેર કર્યું હતું. રાખી સાવંતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે જેકેટથી પોતાનો ચહેરો છુપાવી ચાલતી જોવા મળી હતી. તેમ છતાં ફોટોગ્રાફર્સ તેને ઓળખી ગયા હતા. તેમાંથી એકે ચપ્પલ ન પહેરવા પાછળનું કારણ પૂછ્યું હતું. તેના જવાબમાં રાખીએ કહ્યું હતું ‘મેં માનતા રાખી છે.’ ફોટોગ્રાફર્સે કઈ વાતની માનતા રાખી છે? તેમ પૂછતાં તેણે કહ્યું હતું, ‘શ્રીલંકાથી ચપ્પલ વગર આવી છું. જ્યાં સુધી તેના (સલમાન ખાન)ના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરું. તે મારો ભાઈ છે...’ આ જવાબ સાંભળીને એક ફોટોગ્રાફરે કહ્યું હતું કે ‘તો તો તારે આખી જિંદગી ચપ્પલ વગર રહેવું પડશે.’