અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચારે આશ્ચર્ય ફેલાવ્યું છે. રાજ કુન્દ્રા જાહેરમાં ફરતો હોય છે ત્યારે જાતભાતના ચિત્રિવિચિત્ર મહોરાં પહેરેલો જોવા મળે છે. આમ છતાં પણ તેને કેવી રીતે ચેપ લાગી ગયો તેવી કોમેન્ટ લોકો કરી રહ્યા છે.
લગભગ બે વર્ષ પહેલાં રાજ કુન્દ્રાનું નામ એક પોર્ન વીડિયો કેસમાં ફસાયું હતું. જોકે આમાં તે હાલ જામીન પર છે. જોકે, આ કેસમાં ભારે બદનામ થયા પછી રાજ કુન્દ્રાએ કેટલાય મહિનાઓ સુધી જાહેરમાં દેખાવાનું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું પણ ટાળ્યું હતું. આ પછી તેણે ધીમે ધીમે જાહેરમાં દેખા દેવા માંડી છે, પરંતુ દર વખતે તેના ચહેરા પર કોઈ અજબ ઉટપટાંગ ટાઈપનું મહોરું જ હોય છે. માત્ર હડપચી અને નાક ઢંકાય તેવું માસ્ક નહીં, પરંતુ આખેઆખો ચહેરો જ કવર થઈ જાય તેવાં મહોરાં એ ક્યાંથી લાવે છે તે અંગે પણ અટકળો થતી રહે છે.
આમ છતાં રાજને કોરોના થયાની વાત ફેલાતાં ચાહકો આશ્ચર્ય સાથે એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલી સુરક્ષા પછી પણ કોવિડ કેવી રીતે લાગી શકે. કોઈએ તો વળી એમ લખ્યું હતું કે રાજે જે પ્રકારના મોહરાં ધારણ કર્યાં છે એ પછી તે આ પૃથ્વી પર કોરોનાનો ચેપગ્રસ્ત બની શકે તેવો સૌથી છેલ્લો માણસ હોવો જોઈએ એમ લાગતું હતું. દરમિયાન રાજે અગાઉ એમ જણાવ્યું હતું કે પોર્ન કેસમાં પોતાની સામે જે રીતે મીડિયા ટ્રાયલ ચાલી તેનાથી વ્યથિત થઈને પોતે આ રીતે ચહેરો ઢાંકી રાખે છે.