માંડ સવા વર્ષ પહેલાં સંસદસભ્ય બનેલી કંગના રણૌતે કબૂલ્યું છે કે તે રાજકારણથી કંટાળી ગઈ છે અને તેને લાગી રહ્યું છે કે આ તેનું કામ નથી. તેણે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું, કે તેને રાજકારણમાં જરા પણ મજા આવતી નથી. અહીં સોશિયલ સર્વિસ જેવું કામ છે. લોકો મારી પાસે તૂટેલા રસ્તા અને ગટરની ફરિયાદો લઈને આવે છે તે મને પસંદ નથી. આ મારું બેકગ્રાઉન્ડ નથી. હું મહિલાઓના હક્ક માટે અવાજ ઉઠાવતી હતી તે અલગ વાત હતી, પરંતુ આવી સામાજિક સેવા મને ફાવતી નથી. હજુ તો હું આ ફિલ્ડમાં સેટ થવા પ્રયાસ કરી રહી છું અને તેને સમજી રહી છું. કંગનાના કહેવા મુજબ, તેની પાસે નાની-મોટી સમસ્યા લઈને આવતા લોકોને પોતે કહે છે કે આ સાંસદનું કામ નથી તે માટે તેમણે સ્થાનિક સત્તાવાળાઓ પાસે જવું જોઈએ તો લોકો મને કહી દે છે કે તમારી પાસે બહુ પૈસા છે તો તમે જ આ કામ કરી આપો. કંગના ગત લોકસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી 74,755 મતની સરસાઈથી જીતી છે. જોકે, તે વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે ચર્ચામાં આવતી રહી છે. ભાજપ પક્ષે એકથી વધુ વાર કંગનાના નિવેદનથી પક્ષને લાગતુંવળગતું નહિ હોવાની સ્પષ્ટતા કરવી પડી છે. કંગનાની ફિલ્મ કારકિર્દી પણ 10 વર્ષથી ફલોપ છે. તેની છેલ્લી ફિલ્મ ‘ઈમરજન્સી’ કેટલાય મહિનાઓ સુધી સેન્સર બોર્ડમાં ફસાયેલી રહી હતી અને બાદમાં રીલિઝ ટાણે સદંતર ફલોપ ગઈ હતી.