રાજકુમાર બનશે પ્રજ્ઞાચક્ષુ ઉદ્યોગપતિ

Saturday 15th January 2022 05:31 EST
 
 

રાજકુમાર રાવ આગામી ફિલ્મમાં એક દૃષ્ટિહીન ઉદ્યોગપતિના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે. આ એક એવા ઉદ્યોગપતિની બાયોપિક છે જેણે પોતાની નેત્રહીનતાને પોતાના શમણાં આડે આવવા દીધી નહોતી, અને એક કંપની સ્થાપના કરી હતી. શ્રીકાંત બોલા નામના ઉદ્યોગપતિ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે બોલેન્ટ નામની ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરીને તેનું નેતૃત્વ તેમણે રવિકાંથ મંથાને સોંપ્યું છે. આંધ્ર પ્રદેશના એક નાનકડા ગામના રહેનારા શ્રીકાંત જન્મથી જ દૃષ્ટિહીન હતા. તેમના માતા-પિતા અત્યંત ગરીબ અને અભણ હતા. તેથી શ્રીકાંતને નાનપણથી જ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો.
શ્રીકાંતે દસમું ધોરણ પાસ કર્યા પછી સાયન્સની સ્ટ્રીમમાં આગળ અભ્યાસ કરવા માટે તેમણે રાજ્ય વિરુદ્ધ લાંબી કાયદાકીય લડાઇ લડી હતી. તેમણે ૧૦ અને ૧૨ ધોરણ ઉતીર્ણ કર્યા પછી અમેરિકાની એક યુનિવર્સિટીના પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્રહીન વિદ્યાર્થી બનવાનું ગૌરવ મેળવ્યું હતું. તેઓ દૃઢપણે માને છે કે, તમારા શમણાં પૂરાં કરવા માટે દૃષ્ટિની શક્તિ કરતાં મગજ વધુ મહત્વનું છે. પોતાના દૃઢ સંકલ્પના કારણે શ્રીકાંત એક ઉદ્યોગપતિની હરોળમાં આવી શક્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter