અભિનેત્રી કંગના રણૌત કોઈને કોઈ કારણે વિવાદોમાં રહે છે. શાહીનબાગના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા ૭૩ વર્ષીય દાદી મોહિન્દર કૌરે કંગના રનૌત વિરુદ્ધ હવે ભટિંડા, પંજાબમાં માનહાનિની ફરિયાદ કરી છે. ખેડૂત આંદોલન દરમિયાન કંગનાએ વૃદ્ધાને શાહીનબાગના બિલકિસ બાનો કહ્યા હતા. આઠમીએ મોહિન્દર કૌરના વકીલ રઘબીર સિંહે જણાવ્યું કે, કંગના વિરુદ્ધ કલમ ૪૯૯ (માનહાનિ) અને ૫૦૦ (માનહાનિની સજા) હેઠળ ફરિયાદ ફાઈલ થઇ છે.
કંગનાની પોસ્ટ
કંગનાએ મોહિન્દર કૌર સાથે જોડાયેલી પોસ્ટ શેર કરીને લખ્યું હતું, હાહાહા... તે એ જ દાદી છે, જેમને ટાઈમ મેગેઝિનના કવર પર સૌથી પાવરફુલ ઇન્ડિયન કહેવામાં આવ્યા હતા. તે ૧૦૦ રૂપિયામાં અવેલેબલ છે. પાકિસ્તાની પત્રકારોએ ભારત માટે શરમજનક રીતે ઇન્ટરનેશનલ પીઆરને હાઇજેક કરી લીધા છે. આપણે ઇન્ટરનેશનલ લેવલ પર બોલવા માટે આપણા જ લોકોની જરૂર છે.
રાજદ્રોહ કેસઃ કંગના - રંગોલીની પૂછપરછ
ઉલ્લેખનીય છે કે, આઠ જાન્યુઆરીએ કંગના બહેન રંગોલી ચંદેલ સાથે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે આવી હતી. તેની અહીં પણ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. કંગના અને રંગોલી બંને વિરુદ્ધ કોર્ટના આદેશથી ૧૭મી ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. કંગનાને આ પહેલાં ત્રણ વાર સમન્સ પાઠવાયું હતું, પરંતુ ભાઈના લગ્નને કારણે તે આવી નહોતી. જો કંગના વિરુદ્ધ નક્કર પુરાવા મળે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.
હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો આક્ષેપ કંગના અને તેની બહેન પર મૂકવામાં આવ્યો છે. કંગના વિરુદ્ધ આ જ રીતનો એક કેસ તુમકુર (કર્ણાટક)માં પણ કરવામાં આવ્યો છે. તેની પર ખેડૂતોના અપમાનના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ પહેલાં ૨૫ નવેમ્બર, ૨૦૨૦ના રોજ બોમ્બે હાઈ કોર્ટે કંગના તથા રંગોલીની અરજી પર સુનાવણી કરતાં બંનેને આઠ જાન્યુઆરીના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદે પોતાની અરજીમાં કહ્યું હતું, કંગના રણૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયાથી પોસ્ટ કરી હતી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે હિંદુ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેણે અનેક વાંધાજનક પોસ્ટ કરી હતી. આ પોસ્ટથી માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચી છે. સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાની સોશિયલ મીડિયા પોસ્ટ રજૂ કરી છે.
પોલીસ સ્ટેશન જતાં પહેલાં કંગનાએ વીડિયો શેર કર્યો
કંગનાએ આઠમીએ પોલીસ સ્ટેશન જતાં પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, જ્યારથી મેં દેશહિતમાં વાત કરવાની શરૂ કરી છે ત્યારથી મારા પર અત્યાચારો થઈ રહ્યાં છે. મારું શોષણ થાય છે. આખો દેશ આ જોઈ રહ્યો છે. ગેરકાયદેસર રીતે મારું ઘર તોડવામાં આવ્યું હતું. ખેડૂતોના હિતમાં વાત કરી તો રોજ ખબર નહીં કેટલાં કેસ થઈ રહ્યાં છે. ત્યાં સુધી કે હસવા પર પણ એક કેસ થયેલો છે. કોરોના દરમિયાન ડોક્ટર્સના હિતમાં વાત કરી તો મારી બહેન રંગોલી પર કેસ થયો હતો. તે કેસમાં મારું નામ પણ લેવામાં આવ્યું. તે સમયે તો હું સોશિયલ મીડિયામાં હતી પણ નહીં. તે કેસને ચીફ જસ્ટિસે રિજેક્ટ પણ કર્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ કેસમાં કંઈ જ નથી.
કંગનાએ જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું કે તારે પોલીસ સ્ટેશન જઈને હાજરી આપવી પડશે. કઈ વાતની હાજરી, એ વાત કોઈ કહેવા તૈયાર નથી. હું સુપ્રીમ કોર્ટને પૂછવા માગું છું કે આ એ જ કાળ છે જ્યાં મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવે છે? હું કંઈ બોલી શકતી નથી. કંઈ કહી શકતી નથી. આ પ્રકારના અત્યાચાર દુનિયાની સામે થઈ રહ્યાં છે. જે રીતે હજારો લોહીના આંસુઓ ગુલામીમાં સહન કર્યાં હતા, જો રાષ્ટ્રવાદીની વાતોને દબાવવામાં આવી તો ફરીથી આ બધું સહન કરવું પડશે.