રાજપાલ યાદવ ફરી જેલમાં જશે...

Friday 17th July 2026 10:49 EDT
 
 

ચેક બાઉન્સ કેસ મામલે બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલી વધી છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આ કેસમાં રાજપાલને ત્રણ માસ કેદની સજા સંભળાવી છે. કોર્ટે અભિનેતાનું વર્તન શંકાસ્પદ ગણાવી રૂ. 7.35 કરોડનો દંડ ભરવા અને તેને ફરી જેલહવાલે કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે ચેક બાઉન્સના સાત કેસોમાં તેની સજા યથાવત્ રાખી છે અને ત્રણ મહિનાની સાદીની સજા સંભળાવી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ આદેશ આપ્યો છે કે સાતેય કેસમાં ત્રણ-ત્રણ મહિનાની જેલની સજા એકસાથે ચાલશે. કોર્ટે રાજપાલ યાદવને આ સાતેય કેસમાં ફરિયાદી કંપની (મે. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ)ને પ્રત્યેક કેસ દીઠ રૂ. 1.05 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, તેની પત્ની રાધા યાદવને પણ કેસ દીઠ રૂ. 5.51 લાખથી વધુની રકમ ચૂકવવાનો આદેશ કરાયો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે કાનૂની કાર્યવાહી દરમિયાન અભિનેતા દ્વારા અગાઉ જમા કરાવાયેલા રૂ. 2.25 કરોડ આ અંતિમ રકમમાં એડજસ્ટ કરાશે. હાઈકોર્ટે રાજપાલને આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા બે મહિનાનો સમય આપ્યો છે. આ કાનૂની વિવાદ વર્ષ 2010નો છે, જ્યારે રાજપાલ યાદવે તેની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ 'અતા પતા લાપતા'ના નિર્માણ માટે મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયા બાદ તે લોન પરત કરી શક્યો નહોતો અને તેણે આપેલા રિપેમેન્ટ ચેક બાઉન્સ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter