અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રિયંકા ચોપડાના પૂર્વ મેનેજર અને નિર્માતા પ્રકાશ જાજૂએ રાજપાલ યાદવ વિરુદ્ધ રૂ. 5 લાખના ચેક બાઉન્સનો નવો કેસ નોંધાવ્યો છે. જાજૂનો દાવો છે કે રાજપાલ યાદવ પર કુલ રૂ. 25 લાખની રકમ બાકી છે. તેણે વ્યાજ માફ કરીને માત્ર મૂળ રકમ જ પરત કરવા કહ્યું હતું, પરંતુ ચાર વર્ષ વીતી જવા છતાં હજુ સુધી ચૂકવણી કરાઇ નથી. આ મામલે ઇન્દોરની મહૂ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કેસ દાખલ કરી અભિનેતા વિરુદ્ધ સમન્સ જાહેર કરાયું છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ તેની સામે કાનૂની કાર્યવાહી થઈ હતી. જેમાં ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ 12 દિવસ તિહાડ જેલમાં સજા ભોગવી હતી.


