છેલ્લા કેટલાક દિવસથી ચેક બાઉન્સના જૂના કેસમાં આકરી કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા હાસ્ય અભિનેતા રાજપાલ યાદવ માટે રાહતના સમાચાર આવ્યા છે. કોર્ટે હાલ તેની સજા સામે વચગાળાનો સ્ટે ફરમાવીને જામીન પર છોડવા આદેશ આપ્યો છે. દેવું ચૂકતે કરવાની ખાતરીનું પાલન કરવાનું ચૂકી ગયા બાદ રાજપાલ યાદવને ગયા સપ્તાહે કસ્ટડીમાં લેવાયા હતા. રાજપાલ યાદવે દેવા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તેણે રૂ. 5 કરોડમાંથી રૂ. 2.5 કરોડ પહેલાં જ ચુકવી દીધા છે. આ માહિતી તેમના વકીલ દ્વારા દિલ્હી હાઈકોર્ટની સુનાવણી બાદ જાહેર કરવામાં આવી હતી. આ પછી સોમવારે 16 ફેબ્રુઆરીએ હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે તેને રાહત આપી હતી. તેના વકીલો મીડિયા સામે જણાવ્યું કે યાદવ વધુ રકમ પણ જમા કરવા માટે તૈયાર છે અને ચુકવણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવે 2013ની સાલમાં પોતાનો એક્ટિંગનો વ્યવસાય છોડીને નવી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તે સમયે તેણે ‘અતા, પતા લાપતા’ નામની ફિલ્મ બનાવી હતી જેમાં તેને રૂ. 11 કરોડનો જંગી ખર્ચો થયો હતો. જોકે બાદમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ઉધા માથે પટકાતા યાદવને જંગી ખોટ ગઈ હતી, આ ફિલ્મને બનાવવા માટે તેણે રૂ. 5 કરોડ એક વ્યક્તિ પાસેથી લીધા હતા. જે નિષ્ફળ જતાં પરત કરી શકાયા નહોતા.


