ચેક રિટર્ન કેસમાં તાજેતરમાં જ જેલમાંથી બહાર આવેલા રાજપાલ યાદવે તેમ જણાવીને બધાને ચોંકાવ્યા હતા કે મારી પાસે આગામી સાત વર્ષ માટે બ્રાન્ડિંગ સહિત કુલ 1,200 કરોડ રૂપિયાના કામ છે. મારી પાસે ચાર એગ્રીમેન્ટ્સ છે અને તેમાં ફિલ્મોનો સમાવેશ થતો નથી. કેટલાક પ્રોજેક્ટ્સ છે જે 200 કરોડ રૂપિયાના છે. કેટલાકમાં ફીની રકમ પેટે નાણાં મળવાનાં છે તો કેટલાક પ્રોજેક્ટમાં મારો હિસ્સો છે. મારી પાસે લાઈનમાં 10ફિલ્મો છે. તેમાંથી ‘ભૂતબંગલા’ રિલીઝ થવા જઈ રહી છે. તેના પછી ‘વેલકમ ટુ ધ જંગલ’ આવી રહી છે. તેના પછી અનેક પ્રોજેક્ટ્સ છે.
રાજપાલ યાદવ ચેક બાઉન્સ થવાના કેસમાં જેલમાં ગયો ત્યારે તેને બોલિવૂડમાંથી ઘણા લોકોનો આર્થિક સહયોગ મળ્યો હતો. રાજપાલે આ મુશ્કેલ સ્થિતિમાં મદદ કરનારા નામી-અનામી પ્રશંસકોનો વિશેષ આભાર માન્યો હતો. આ બધું દર્શાવે છે કે રાજપાલ યાદવ ચેક બાઉન્સના કેસમાં જેલની સજાનો ખરાબ દોર પસાર કરી ચૂક્યો છે. રાજપાલ યાદવના વકીલે દાવો કર્યો હતો કે તેમણે બિઝનેસમેન માધવ અગ્રવાલ પાસેથી પાંચ કરોડ લીધા હતા અને તે વ્યાજ સાથે દસ કરોડ રૂપિયા થઈ ગયા હતા.


