મુંબઈમાં યોજાયેલા 62મા મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં અભિનેત્રી રાની મુખર્જીને ‘રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ’થી સન્માનિત કરાઇ હતી. ફિલ્મ જગતની અનેક હસ્તીઓની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાનીને આ એવોર્ડ એનાયત કર્યો હતો. ભારતીય સિનેમામાં રાની મુખર્જીના લાંબા ગાળાના યોગદાન અને મુંબઈ તથા મહારાષ્ટ્ર સાથેના તેના ગાઢ સંબંધને ધ્યાનમાં રાખીને આ સન્માન અપાયું છે. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી રાનીએ દાયકાઓની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ‘કુછ કુછ હોતા હૈ’, ‘હમ તુમ’, ‘બન્ટી ઔર બબલી’, ‘બ્લેક’, ‘તલાશ’, ‘હિચકી’ અને ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ જેવી ફિલ્મો તેની કારકિર્દીનાં મહત્વના પડાવ રહ્યા છે.
એવોર્ડ સ્વીકારતી વખતે રાનીએ મહારાષ્ટ્ર સાથેના સંબંધને યાદ કરતાં કહ્યું કે મહારાષ્ટ્ર તેનાં માટે માત્ર એક રાજ્ય નથી. તે તેની જન્મભૂમિ, કર્મભૂમિ અને જીવનનો અભિન્ન હિસ્સો છે. મુંબઈએ તેને ઓળખ, દર્શકો અને કારકિર્દી આપ્યા હોવાનું જણાવતાં રાનીએ કહ્યું કે આ શહેર તેનું ઘર અને સુરક્ષિત સ્થળ રહ્યું છે. તેથી આ એવોર્ડ તેનાં માટે વિશેષ સ્થાન ધરાવે છે.
રાનીએ પોતાના પાત્રો અંગે વાત કરતાં કહ્યું હતું કે તેણે હંમેશાં એવી યુવતીઓ અને મહિલાઓને પડદા પર રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જેઓ પોતાનાં જીવનનાં નિર્ણયો પોતે લે છે. તેની પસંદગીની ભૂમિકાઓમાં હિંમત, ખામીઓ અને સંઘર્ષ સાથે આગળ વધતી મહિલા જોવા મળે છે. રાનીએ અંતમાં કહ્યું કે તેનાં માટે સિનેમા માત્ર વ્યવસાય નથી, પરંતુ એક ઊંડી લાગણી છે અને મહારાષ્ટ્ર એ લાગણીનું ઘર છે.


