‘આશિકી’ ફેમ અભિનેતા રાહુલ રોય કાર્ગિલમાં ફિલ્મશૂટિંગ દરમિયાન બ્રેઈન સ્ટ્રોકનો ભોગ બન્યો છે અને મુંબઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે તેના પરિવારે આક્ષેપ કર્યો છે કે આ ઘટના સંબંધિતોની લાપરવાહીના કારણે બની છે, રાહુલ એન્જોય કરવા માટે રોકાયો હોવાની વાત ખોટી છે. રાહુલના બ્રધર-ઈન-લો રોમીન સેને કહ્યું હતું કે, ‘આ બધુ ગંભીર લાપરવાહીને લીધે બન્યું છે. આ બાબત અંગે રાહુલ રોયનો ભાઈ અને બહેન જલદી જ પુરાવા સાથે સ્પષ્ટતા કરશે. રાહુલ ફિલ્મના શૂટિંગ પછી કાર્ગિલમાં એન્જોય કરવા માટે રોકાયો હતો એ વાત સદંતર ખોટી છે. આ વાતની વિગતવાર સ્પષ્ટતા રાહુલને રિકવરી આવે એ પછી કરવામાં આવશે. અત્યારે તો અમે એક જ વાત પર ફોકસ કર્યું છે કે રાહુલને કેવી રીતે જલદી સારું થઈ જાય.’ રાહુલને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હોવાના સમાચારને પણ રોમીને નકાર્યા છે. તેણે કહ્યું હતું કે ‘રાહુલને નાણાવટી હોસ્પિટલમાંથી ખસેડીને હવે વોકહાર્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.’ વાત જાણે એમ છે કે રાહુલ રોય ફિલ્મના શૂટિંગ માટે કાર્ગિલમાં હતો એ દરમિયાન બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બનતા એર લિફ્ટ કરીને શ્રીનગર લાવવામાં આવ્યો હતો. આ પછી તેને સારવાર માટે મુંબઈ શિફ્ટ કરાયો છે. રોમીન સેનના જણાવ્યા અનુસાર રાહુલ રોયની સ્થિતિ પહેલા કરતા સુધારા પર છે. હાલમાં ફિઝિયોથેરાપી સાથે સ્પીચ થેરાપી ચાલી રહી છે.