બોલ્ડ અને બિન્દાસ કંગના રણૌતના નિવેદનો દર વખતે બોલિવૂડના મોટા માથાં માટે મુશ્કેલી લઈને આવે છે. આ વખતે કંગનાએ આમિર ખાનને આડે હાથ લીધો છે. કંગનાએ ટીવી શો સત્યમેવ જયતેના સેટ પર આમિર સાથેનો જૂનો ઈન્ટરવ્યૂ શેર કર્યો હતો. આ સાથે જણાવ્યું છે કે, રિતિક રોશન સાથે કાનૂની વિવાદ થયો તે પહેલાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ સાથે તેની ખૂબ નિકટતા હતી. કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વીડિયો શેર કર્યો છે. આ શોમાં કંગના સાથે દીપકા પાદુકોણ અને પરિણીતી ચોપરા પણ જોવા મળે છે. કંગનાએ આ શોમાં આઈટમ સોન્ગ નહીં કરવાના પોતાના નિર્ણય અંગે વાત કરી હતી. એક નાની છોકરીને આઈટમ સોન્ગ પર ઝૂમતી જોઈને પોતે આ નિર્ણય લીધો હોવાનું કંગનાએ કહ્યું હતું.
આઈટેમ સોન્ગથી દૂર રહેવાના નિર્ણય પર કંગના મક્કમ રહી છે, પરંતુ લોકો બદલાઈ ગયા હોવાનો તેને અફસોસ છે. કંગનાએ પોસ્ટમાં લખ્યું હતુંઃ મને ક્યારેક-ક્યારેક એ દિવસો યાદ આવે છે, જ્યારે આમિર સર મારા બેસ્ટ ફ્રેન્ડ હતા. જાને કહાં ગયે વો દિન... આમિરે મારી ઘણી બધી પસંદગીઓ અને કરિયરને શેપ આપ્યો હતો અને વડીલની જેમ કાળજી રાખી હતી. જોકે રિતિક સામે કોર્ટ કેસ બાદ બધું બદલાઈ ગયું. ત્યાર બાદ તેણે પોતાની પસંદગી સ્પષ્ટ કરી દીધી અને એક મહિલા સામે આખી ઈન્ડસ્ટ્રી હતી.
કંગના અને રિતિક વચ્ચે જાહેરમાં અનેક વાર તણખા ઝર્યા છે. કંગનાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન રિતિકને ‘સિલી એક્સ’ કહેતાં વિવાદ શરૂ થયો હતો. બંનેએ એકબીજાને નોટિસો ફટકારી હતી. 2020માં રિતિક રોશને કંગના વિરુદ્ધ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જવાબમાં કંગનાએ થાય તે કરી લેવા પડકાર ફેંક્યો હતો. કંગના અને રિતિક વચ્ચેનો વિવાદ હવે લગભગ વિસરાઈ ચૂક્યો છે. કંગના અને રિતિક ક્યારેય જાહેરમાં સાથે દેખાતા નથી અને એકબીજાનો ઉલ્લેખ પણ કરતા નથી. જો કે કંગનાએ રિતિકનું નામ લઈને આમિરને જૂની મિત્રતાની યાદ અપાવી હતી અને આડકતરી રીતે આમિર પણ બોલિવૂડ ગેંગનો ભાગ હોવાનું કહ્યું હતું. ઈન્ડસ્ટ્રીમાં મોટા માથાં સામે દુશ્મની કરવા છતાં કંગનાના હાથમાં ચાર ફિલ્મો છે. ચંદ્રમુખી 2, તેજસ, સીતાનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યારે મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લીજન્ડ ઓફ દિદ્દા પણ પાઈપલાઈનમાં છે.