મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચુકાદાએ રૂ. 15,000 કરોડની નવાબી સંપત્તિના મુદ્દે સૈફ અલી ખાન અને અને પટૌડી પરિવારને મોટો આંચકો આપ્યો છે. એક ચુકાદામાં હાઈકોર્ટે બે દાયકા પહેલાં આપેલા ટ્રાયલ કોર્ટના ચુકાદાને રદ કરીને કેસની ફેર સુનાવણીનો આદેશ આપ્યો છે. 30 જૂને આપેલા આદેશમાં ન્યાયાધીશ સંજય દ્વિવેદીની સિંગલ બેન્ચે ટ્રાયલ કોર્ટના ચુકાદા અને હુકમનામાને રદ કર્યું છે. સાથે સાથે જ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને એક વર્ષમાં આ કેસનો નિકાલ લાવવા અને નિર્ણય લેવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટે પટૌડી પરિવાર (સૈફ અલી ખાન, તેની માતા શર્મિલા ટાગોર તથા તેની બે બહેનો સોહા અને સબા)ને મિલકતોના માલિક જાહેર કર્યા હતાં.
ભોપાલ રજવાડાનાં છેલ્લા શાસક નવાબ હમીદુલ્લાહ હતાં. તેમને અને તેમની પત્ની મૈમૂના સુલતાનને ત્રણ પુત્રીઓ હતી. તેમાં આબિદા, સાજીદા અને રાબિયાનો સમાવેશ થાય છે. સાજીદાએ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા અને ભોપાલના નવાબ બેગમ બન્યાં હતાં. તેમના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડીએ શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતાં. ‘ટાઈગર પટૌડી’ના નામે પણ જાણીતા મન્સૂર અલી ખાન પટૌડી એક સમયે ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. નવાબ હમીદુલ્લાહના મોટા પુત્રી આબિદા પાકિસ્તાન જતાં રહ્યાં છે. તેથી સાજિદા નવાબી મિલકતોનાં માલિક બન્યાં હતાં. સાજિદાના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડી આ મિલકતોનો વારસદાર બન્યાં હતા અને મિલકતોની અંદાજિત કિંમત લગભગ રૂ. 15,000 કરોડ છે. આ મિલકત સૈફ અલી અને તેના ભાઈ-બહેનોને વારસામાં મળી હતી.
આ મિલકતના મામલે નવાબ મોહમ્મદ હમીદુલ્લાહ ખાનના વારસદારો બેગમ સુરૈયા રશીદ અને અન્ય લોકોએ તથા નવાબ મેહર તાજ સાજીદા સુલતાન અને અન્ય લોકોએ બે અરજી કરેલી છે. જેમાં જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે નવાબી સંપત્તિના અન્યાયી વિભાજન સામેના તેમના દાવાઓને અન્યાયી રીતે ફગાવી દીધા છે. ખરેખર તો નવાબની અંગત મિલકતનું વિભાજન મુસ્લિમ પર્સનલ લો મુજબ કરવું જોઈએ. અરજદારોએ સાજિદા બેગમને તમામ ખાનગી મિલકતોના એકમાત્ર વારસદાર જાહેર કરતાં ભારત સરકારના 10 જાન્યુઆરી, 1962ના સર્ટિફિકેટનો પણ વિરોધ કર્યો હતો. 30 એપ્રિલ, 1949એ ભોપાલનું રજવાડુંને લેખિત કરાર હેઠળ ભારતીય સંઘમાં ભેળવી દેવામાં આવ્યું હતું.