રેડિયો પ્રેઝન્ટર અમીન સાયાનીનું નિધન

Thursday 29th February 2024 08:21 EST
 
 

મનોરંજનની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા રેડિયો પ્રેઝન્ટર અને બિનાકા ગીતમાલા ફેમ અમીન સાયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન અંગે પુત્ર રઝીલે જણાવ્યું હતું કે અમીન સાયાનીને તીવ્ર હાર્ટએટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવાયા હતા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. અમીન સાયાની લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તેઓ છેલ્લા 12 વર્ષથી પીઠના દુખાવાથી પણ પીડાતા હતા અને તેથી તેમને ચાલવા માટે વોકરનો ઉપયોગ કરવો પડતો હતો. અમીન સાયાની 54,000થી વધુ રેડિયો કાર્યક્રમો પ્રોડ્યૂસ/વોઇસઓવર કરવાનો રેકોર્ડ ધરાવે છે. લગભગ 19,000 જિંગલ્સ માટે અવાજ આપવા બદલ અમીન સાયાનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે.
‘રેડિયો કિંગ’ અને અવાજની દુનિયાના સર્જક તરીકે જાણીતા અમીન સાયાનીએ તેમના અવાજ, બોલવાની આગવી સ્ટાઇલ વડે કરોડો ચાહકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. અમીન સાયાનીએ તેમના અવાજ થકી રેડિયોની દુનિયામાં મોટી નામના મેળવી હતી. તેમના અવાજનો જાદુ લોકોના દિલમાં ઘર કરી ગયો. રેડિયો શ્રોતાઓ આજે પણ ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી, જેઓ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને મધુર રીતે ‘બહેનો ઔર ભાઈઓ...’ કહેતા હતા. આજે પણ લોકોના કાનોમાં તે અવાજ ગૂંજે છે.
‘બિગ બી’ને પણ વગર એપોઇન્ટમેન્ટે મળ્યા નહોતા
એક બહુ જાણીતો કિસ્સો છે કે અમીન સાયાનીએ એક વખત ‘બિગ બી’ અમિતાભ બચ્ચનને પણ એપોઇન્ટમેન્ટ વગર મળવા ઇન્કાર કરી દીધો હતો. 40-45 વર્ષ પહેલાં ‘બિગ બી’ મુંબઈના રેડિયો સ્ટુડિયોમાં ઓડિશન માટે આવ્યા હતા. ‘બિગ બી’ એપોઇન્ટમેન્ટ લીધા વગર જ મળવા પહોંચી ગયા હોવાથી સાયાનીએ તેમને મળવાની ના પાડી દીધી હતી અને તેમનો અવાજ સાંભળ્યા વિના તેમને રિજેક્ટ કરી દીધા હતા. વર્ષો બાદમાં અમીન સાયાનીએ આ ઘટનાક્રમનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એ સમયે સારું જ થયું હતું કે મેં તેમને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. જો તેમને મળ્યો હોત તો બોલિવૂડને ‘બિગ બી’થી વંચિત રહી ગયું હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter