કોરિયોગ્રાફર તથા ફિલ્મ ડિરેક્ટર રેમો ડિસોઝા ઝડપથી સાજો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં હંમેશાં પોસ્ટ્સ શેર કરતા રહેતા રેમોએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રેમો જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળ્યો હતો. કોરોના ગાઈડલાઈન પ્રમાણે, રેમોએ માસ્ક પણ પહેર્યો હતો.
રેમોના બંને હાથમાં ડમ્બેલ્સ છે અને બાઈસેપ્સ માટે વર્કઆઉટ કરે છે. તેની પાસે ઊભેલી જીમ ઈન્સ્ટ્રક્ટર રેમોને ઈન્સ્ટ્રક્શન્સ આપતી જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત વાગે છે, જેના શબ્દો છે કે તમે ભગવાનમાં વિશ્વાસ ધરાવો છો તો બધું જ શક્ય છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે ભગવાનમાં વિશ્વાસ રાખવો.
વીડિયો શેર કરીને રેમોએ જણાવ્યુ હતું કે, કમબેક હંમેશાં સેટબેકથી વધુ સ્ટ્રોંગ હોય છે. આજથી શરૂઆત કરી છે. ધીમે ધીમે પણ શરૂઆત તો છે જ. ઉલ્લેખનીય છે કે રેમોને હાર્ટ અટેક આવ્યે ૨૯ દિવસ પછી તેણે આ વીડિયો શેર કર્યો હતો. રેમોએ જણાવ્યું કે, જ્યારે મને હાર્ટ એટેક આવ્યો ત્યારે મારું હાર્ટ ૨૫ ટકા જ કામ કરતું હતું. મારી જમણી ધમનીમાં ૧૦૦ ટકા બ્લોકેજ હતું. મને પ્રી-વર્કઆઉટ સેશન, કામના સ્ટ્રેસ કે પછી વારસાગત તકલીફને કારણે હાર્ટ અટેક આવ્યો હોવાનું માનવામાં આવે છે. અનેક લોકો માને છે કે હું સ્ટીરોઇડ લઉં છું, પરંતુ આ વાત સાચી નથી. હું નેચરલ બોડીમાં જ વિશ્વાસ રાખું છું.


