મલયાલમ ફિલ્મોની જાણીતી અભિનેત્રી રેવતી સંપતે તેના ફેસબુક એકાઉન્ટ પર ૧૪ લોકોના નામોનું લિસ્ટ જાહેર કરીને સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચાવી દીધો છે. રેવતીએ આ લોકોની સામે પોતાનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ મૂક્યો છે. આ યાદીમાં જાણીતા અભિનેતા સિદ્દીકી ઉપરાંત ફિલ્મ ડાયરેક્ટર, ડોક્ટર, સબ ઈન્સ્પેક્ટર, રાજનેતા સહિતના લોકોના નામ જોવા મળે છે. અભિનેત્રીએ પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે ‘હું અહીંયા પ્રોફેશનલ-પર્સનલ સાયબર સ્પેસના માધ્યમથી દુર્વ્યવહાર કરનારા અપરાધીઓનાં નામનો ખુલાસો કરી રહી છું, આ લોકોએ મારું શારીરિક, માનસિક અને ભાવનાત્મક શોષણ કર્યું છે.’ આ ૧૪ લોકોના નામમાં ડાયરેક્ટર રાજેશ ટચરિવર, અભિનેતા સિદ્દીકી, આશિક માહી, શિજુ એ.આર, અભિલ દેવ, અજય પ્રભાકર, એમ.એસ. પધુષ, સૌરભ કૃષ્ણન્, રાજકીય નેતા નંદુ અશોકન્, મેક્સવેલ જોસ, શાનુબ કરુવથ અને ચાકોસ કેક, રાગેન્ધ પાઈ, સરુન લિયો અને સબ ઈન્સ્પેક્ટર બીનુનો સમાવેશ થાય છે. રેવતીએ લોકપ્રિય અભિનેતા સિદ્દીકી પર યૌન શોષણનો આરોપ મૂક્યો છે. રેવતી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ છે. તો બીજી તરફ કેટલાક લોકોએ આ પોસ્ટને પબ્લિસિટી સ્ટંટ ગણાવી છે. જોકે અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે કોઇ સ્ત્રી પબ્લિસિટી સ્ટંટ ખાતર પોતાની આબરૂ-પ્રતિષ્ઠાને દાવ લગાવે ખરી?!