લતા મંગેશકરે હૃતિક રોશનના અભિનયના વખાણ કર્યા

Saturday 25th July 2020 08:32 EDT
 
 

હૃતિક રોશન બોલિવૂડનો ખૂબ જ મહેનતી અને ધગશ ધરાવતો સ્ટાર ગણાય છે. તેના અભિનય સાથે સાથે તેના વ્યક્તિત્વના પણ સહુ કોઇ વખાણ કરે છે. બોલિવૂડમાં પણ તેની ગણના ટોચના કલાકાર તરીકે થાય છે. હાલમાં હૃતિકના કોકિલકંઠી સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરે પણ વખાણ કર્યાં છે. લતાજીએ હૃતિકના વખાણ કર્યાં હોવાથી હૃતિકે જણાવ્યું કે તેનું માન વધી ગયું છે.
પીઢ ગાયિકા અને ભારતરત્ન લતા મંગેશકરે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને હૃતિક રોશનના કામના ભારોભાર વખાણ કર્યાં હતાં. લતાજીએ ટ્વિટ કર્યું છે કે, નમસ્કાર હૃતિક. તમારું કામ મને હંમેશા સારું લાગ્યું છે. તમારા પરિવારને હું હમેશા મારો પરિવાર સમજું છું. હું દર વરસે તમારા દાદા રોશનજીની તિથિએ તેમના વિશે કાંઇક લખતી હોઉં છું. વાસ્તવમાં તેઓ એક બહુ મોટા અને ટોચના સંગીતકાર હતા. લતાજીએ એક જ ટ્વિટમાં હૃતિક અને તેના દાદાના વખાણ કર્યાં છે.
હૃતિક આ ટ્વિટ જોઇને લાગણીશીલ થઇ ગયો હતો. તેણે લતાજીનો આભાર માનતા કહ્યું હતું કે, તમારા મીઠા શબ્દો માટે બહુ બહુ આભાર. તમે તો મારું માન વધારી દીધું છે.
હૃતિકના દાદા રોશન લાલ નાગરથની ૧૪ જુલાઇના જન્મતિથિ હતી. તેમની યાદમાં લતાજી એ તેમનું પસંદગીનું ગીત ‘રહે ના રહે’ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું અને તેમના કામને તેમજ પરિવારને યાદ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter