લલિત મોદીની બાયોપિક બનશે

Sunday 08th May 2022 06:39 EDT
 
 

ક્રિકેટની રમતમાં ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) નામના એક્સાઈટમેન્ટનો છમકારો ઉમેરીને જેન્ટલમેન્સ ગેમને એક ઉદ્યોગની જેમ ડેવલપ કરનારા લલિત મોદીની લાઈફ કોન્ટ્રોવર્સીથી ભરપૂર રહી છે. હાલ ભારત છોડીને બ્રિટનમાં આશરો લઇ રહેલા આઇપીએલના આ પહેલા કમિશનર લલિત મોદીના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઇ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ‘83’ અને ‘થલાઈવી’ના ડિરેક્ટર વિષ્ણુ વર્ધન ઈંદુરી લલિત મોદીની લાઈફ પર ફિલ્મ બનાવવાના છે, જે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા મજમૂદારે લખેલા પુસ્તક પર આધારિત હશે. ફિલ્મમાં લીડ એક્ટર હજુ ફાઈનલ નથી, પરંતુ આ અંગે ટૂંક સમયમાં એનાઉન્સમેન્ટ થશે. આમ પણ, બોલિવૂડમાં દર વર્ષે એકાદ-બે ફિલ્મ ક્રિકેટ પર બનતી હોય છે. 18 એપ્રિલ 2008ના રોજ ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી અને તેને લાવવાની ક્રેડિટ લલિત મોદીને મળી હતી. લલિત મોદીએ 2005થી 2010 સુધી બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો અને 2008થી 2019 સુધી આઈપીએલના ચેરમેન અને કમિશનરના હોદ્દા સંભાળ્યા હતા. 2010માં તેના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો અને હકાલપટ્ટી થઈ હતી. આ પછી મની લોન્ડરિંગ કેસમાં લલિત મોદી દેશ છોડીને નાસતો ફરે છે.

આઇપીએલથી ક્રિકેટ ખેલાડીઓ અને બીસીસીઆઈને ખૂબ આર્થિક લાભ થયો. જોકે લખલૂટ પૈસો હોય ત્યાં વિવાદ આવે જ. લલિત મોદીએ આઈપીએલ દ્વારા અંગત લાભ મેળવ્યા હોવાની વિગતો બહાર આવી અને બીસીસીઆઈના રિપોર્ટમાં તેમના પર સંખ્યાબંધ આરોપ લાગ્યા હતા. પોતાના ફેમિલીને કોન્ટ્રેક્ટ આપવો, આઈપીએલના બ્રોડકાસ્ટિંગનો પોતાના લાભ માટે ઉપયોગ કરવો અને હરાજીમાં ગોટાળા જેવા સંખ્યાબંધ આરોપ લાગ્યા હતા.

માતાની બહેનપણી સાથે લવમેરેજ
​લલિત મોદીનો જન્મ દિલ્હીના મોટા બિઝનેસમેન ફેમિલીમાં થયો હતો. યુએસમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તે ભારત પરત આવ્યો હતો અને તેણે ભારતમાં ક્રિકેટ માટેનો ક્રેઝ જોયો. અમેરિકન સ્પોર્ટ્સમાંથી પ્રેરણા લઈને લલિતે ભારતમાં આઈપીએલ શરૂ કરવાનું વિચાર્યું. પહેલાં તેણે હિમાચલ, રાજસ્થાન અને પંજાબ ક્રિકેટ એસોસિએશનનું સભ્યપદ મેળવ્યું અને બીસીસીઆઈ સાથે મળીને આઈપીએલનો પ્લાન કર્યો. ફોરેન સ્ટડી દરમિયાન લલિત મોદીને પોતાની માતાની ફ્રેન્ડ મીનલ સાથે પ્રેમ થઈ ગયો હતો. ઉંમરમાં નવ વર્ષ મોટા મીનલના લગ્ન નાઈજિરિયન બિઝનેસમેન સાથે નક્કી થયા હતા. મેરેજના થોડા દિવસ અગાઉ લલિત મોદીએ તેમને પોતાની લાગણી જણાવી. ગુસ્સે થઈને મીનલે ચાર વર્ષ લલિત સાથે વાત કરી ન હતી, પરંતુ તેમના મેરેજ લાંબુ ટક્યા નહીં અને આખરે તેમણે છૂટાછેડા લીધા. ડિવોર્સ બાદ લલિત સાથેની નિકટતા વધી, પરંતુ બંનેના ફેમિલીએ મેરેજનો વિરોધ કર્યો. લલિત મોદીએ આ વિરોધની અવગણના કરી ઓક્ટોબર 1991માં મીનલ સાથે મેરેજ કર્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter