બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ અને કાજોલે 4 ડિસેમ્બરે લેસ્ટરમાં તેમના સુપ્રસિદ્ધ કેરેક્ટર, રાજ અને સિમરનના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. 1995ની ક્લાસિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ)થી પ્રેરિત આ સ્ટેચ્યુ લંડનના બહુખ્યાત લેસ્ટર સ્ક્વેરમાં સ્થાપિત કરાઇ છે. આ સમયે બન્નેએ ફિલ્મના આઈકોનિક પોઝ પણ ફરીથી આપ્યા હતા. આ નવી કાંસ્ય પ્રતિમા લેસ્ટર સ્ક્વેરમાં ભારતીય ફિલ્મને સમર્પિત પ્રથમ પ્રતિમા છે, જેમાં તેને ‘હેરી પોટર’, ‘મેરી પોપીન્સ’, ‘પેડિંગ્ટન’, ‘સિંગિંગ ઈન ધ રેઈન’ અને ‘બેટમેન’ અને ‘વંડર વુમન’ જેવા વીર પાત્રોની સાથે પ્રદર્શિત કરાયું છે.
શાહરુખે આ પ્રસંગે કહ્યું, ‘DDLJ ફિલ્મ એક ઉમદા હૃદયથી બનાવાઇ હતી. અમે એક એવી વાર્તા કહેવા માગતા હતા જે પ્રેમની શક્તિ દર્શાવે છે અને શીખવે છે કે, પ્રેમથી આ દુનિયા વધુ સારું સ્થળ બની શકે છે. આ જ કારણ છે કે ‘DDLJ’ છેલ્લા 30 વર્ષથી લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે. આજે ફિલ્મ, કાજોલ અને મને આટલા પ્રેમથી સન્માનિત કરાઇ રહ્યા છે તે જોઈને ખૂબ આનંદ થાય છે. આ ફિલ્મની વિશ્વભરમાં આટલી પ્રશંસા થતી જોઈને ગર્વ થાય છે. હું આ ક્ષણને ‘DDLJ’ની સમગ્ર ટીમ, મારા મિત્ર અને ડિરેક્ટર આદિત્ય ચોપરા અને યશરાજ ફિલ્મ્સ પરિવાર સાથે શેર કરવા માંગુ છું.’


