સુપરસ્ટાર અને નાઇટ રાઇડર્સ ગ્રૂપના સહ-માલિક શાહરુખ ખાને અમેરિકાના લોસ એન્જેલસમાં નવા આંતરરાષ્ટ્રીય ધોરણના નાઇટ રાઇડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ મેદાન પર પહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) મેચનું આયોજન કરાયું હતું, જેમાં લોસ એન્જેલસ નાઇટ રાઇડર્સનો મુકાબલો વોશિંગ્ટન ફ્રીડમ સામે થયો હતો. આ સાથે જ અમેરિકામાં ક્રિકેટના પ્રસાર માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
આ સ્ટેડિયમ વિશ્વનું એવું પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાન છે, જેની સ્થાપના કોઈ વૈશ્વિક ક્રિકેટ ફ્રેન્ચાઇઝીએ કરી છે. આ પ્રોજેક્ટ નાઇટ રાઇડર્સ ગ્રૂપનાં વિશ્વભરમાં ક્રિકેટના વિકાસ અને આધુનિક રમતગમતના માળખામાં રોકાણ કરવાનાં લાંબા ગાળાના આયોજનને દર્શાવે છે.
નવા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મેદાનમાં મુખ્ય સ્ક્વેર પર આઠ વિકેટ, આઇસીસીના ધોરણ મુજબનો રમવાનો વિસ્તાર તેમજ 120 ફૂટ ઊંચા છ ફ્લડલાઇટ ટાવર છે. આ ઐતિહાસિક પ્રસંગે શાહરુખે કહ્યું, ‘જે એક સમયે માત્ર સપનું હતું, તે આજે સાકાર થયું છે. વિશ્વની બીજી સૌથી વધુ જોવાતી રમત ક્રિકેટને લોસ એન્જેલસ સુધી લાવવી આપણા બધા માટે ઐતિહાસિક ક્ષણ છે. અમને આશા છે કે આ મેદાન લોસ એન્જેલસમાં ક્રિકેટનું ઘર બનશે અને નવી પેઢીને આ રમત સાથે જોડાવા પ્રેરણા આપશે. આ મેદાન લોસ એન્જેલસ માટે, વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે અને સમગ્ર નાઇટ રાઇડર્સ પરિવાર માટે છે. આ આયોજન અમેરિકામાં ક્રિકેટની વધતી લોકપ્રિયતાને વધુ વેગ આપશે અને નાઇટ રાઇડર્સ ગ્રૂપનાં વિશ્વભરમાં ક્રિકેટને નવી ઓળખ અપાવવાના વિઝનને વધુ મજબૂત બનાવશે.


