બોલિવૂડના જાણીતા ડાયરેકટર-પ્રોડયુસર વિક્રમ ભટ્ટે ગયા વરસના લોકડાઉન દરમિયાન શ્વેતાંબરી સોની સાથે લગ્ન કરી લીધા છે. એક વરસ પછી દંપતીએ આ વાતને જાહેર કરી છે. શ્વેતાંબરી સોનીનો ૬ ઓકટોબરના રોજ જન્મદિવસ હતો ત્યારે વિક્રમ ભટ્ટે સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશો લખીને પત્નીને જન્મદિવસના મુબારક આપ્યા હતા. વિક્રમ ભટ્ટે સોશિયલ મીડિયા પર શ્વેતાંબરી સાથે પોતાની તસવીર શેર કરી છે. મહેશ ભટ્ટે એક ન્યુઝ વેબસાઇટના આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વિક્રમે ગયા વરસે જ લગ્ન કરી લીધા હતા. તે સમયે તેણે મને ફોન પર જણાવ્યું હતું કે તે લગ્ન કરી રહ્યો છે. પરંતુ લોકડાઉનના કારણે તે અમને લગ્નમાં નિમંત્રણ આપી શકતો નથી. આ સમયે વિક્રમે એમ પણ કહ્યું હતું કે, તે પોતાના લગ્નને જાહેર કરવાનો નથી. તે વેળા મેં તેને એમ પણ કહ્યું હતું કે, તે લાંબા સમય સુધી આ વાત છુપાવી શકશે નહીં.
વિક્રમની પત્ની શ્વેતાંબરી સોની મુંબઇમાં એક આર્ટ ગેલેરી સાથે જોડાયેલી છે. શ્વેતાંબરીને અગાઉના લગ્નથી બે પુત્રો છે, જેની સાથે તેણે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. વિક્રમ ભટ્ટે આ પહેલા અદિતી ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને કૃષ્ણા નામની પુત્રી છે. ૧૯૯૮માં બન્નેના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યાર પછી તેનું નામ સુષ્મિતા સેન અને અમિષા પટેલ સાથે જોડાયું હતું.