વિતેલા જમાનાની અભિનેત્રી કુમકુમનું ૮૬ વર્ષની વયે નિધન

Thursday 06th August 2020 07:11 EDT
 
 

વિતેલા જમાનાનાં જાણીતી અભિનેત્રી કુમકુમનું ૮૬ વર્ષની વયે મુંબઇમાં નિધન થયું છે. કુમકુમ ઘણા સમયથી બીમાર હતાં. કુમકુમનું અવસાન થતાં બોલિવૂડના વીતેલા જમાનાની પેઢી સાથે નાતો ધરાવતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોતાના શાનદાર અભિનયથી દર્શકો પર અમીટ છાપ છોડી જનારા કલાકારોમાં કુમકુમનું નામ આદરથી લેવાય છે. કિશોરકુમાર અને ગુરુ દત્ત સાથે પણ કામ કરી ચૂકેલાં કુમકુમ પોતાના જમાનાના સ્ટાર્સ જેટલી જ લોકપ્રિયતા ધરાવતા હતાં. ‘આરપાર’ ફિલ્મના મશહૂર ગીત ‘કભી આર કભી પાર લાગા, તીરે નજર...’માં કુમકુમનો ડાન્સ યાદગાર હતો. કુમકુમનું અસલ નામ જૈબ્બુનિસા હતું. તેમણે અભિનય ક્ષેત્રમાં પગરણ માંડતી વેળા કુમકમ નામ અપનાવ્યું હતું.
કુમકુમે ૧૦૦થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું. નાના-મોટા જે પણ રોલ મળ્યા તેને ખૂબ જ ખંતથી ઓતપ્રોત થઇને નિભાવ્યા હતા. ‘મિસ્ટર એકસ ઇન બોમ્બે’ (૧૯૬૪), ‘મધર ઇન્ડિયા’ (૧૯૫૭), ‘સન ઓફ ઇન્ડિયા’ (૧૯૬૨), ‘આરપાર’, ‘ઉજાલા’, ‘નયા દૌર’, ‘ફન્ટુશ’, ‘કોહિનૂર’ અને ‘એક લૂંટેરા એક સપેરા’ જેવી અનેક ફિલ્મોમાં કુમકુમે અભિનયના અજવાળા પાથર્યા હતા. હિંદી ઉપરાંત ભોજપુરી ફિલ્મોમાં પણ સારી સફળતા મળી હતી. ભોજપુરી ફિલ્મ ‘ગંગા મૈયા તોહે પિયારી’ અને ‘ચઢાઇબો’માં ઉજજવળ અભિનય કર્યો હતો.
લોકપ્રિય એકટર જગદીપના પુત્ર નાવેદ જાફરીએ ટવીટ કરીને કુમકુમને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે બોલિવૂડે વધુ એક રત્ન ગુમાવી દીધું છે. તેમને હું બાળપણથી જાણતો હતો અને તેઓ અમારા માટે પરિવારના સભ્ય જેવાં હતાં. આની સાથે નાવેદ જાફરીએ કુમકુમની વિવિધ ફિલ્મોના ખાસ અંદાજ ધરાવતા ફોટો પણ શેર કર્યા છે. બોલિવૂડના ડાયરેકટર અનિલ શર્માએ ટવીટમાં લખ્યું કે વીતેલા જમાની ખૂબસૂરત અને પ્રતિભાશાળી કલાકારે અનેક સુપરહિટ ગીતો આપ્યા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter