વિદ્યા બાલન અભિનિત શોર્ટ ફિલ્મ ‘નટખટ’ એકેડમી અવોર્ડ્સ (ઓસ્કર) – ૨૦૨૧માં પહોંચી છે. ફિલ્મની પ્રોડક્શન કંપની રોની સ્ક્રૂવાલા વીડિયો પ્રોડક્શને ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિશે લખ્યું છે કે, ‘નટખટ’ ધરતીના દરેક ખૂણે પહોંચે એવી આશા છે. ઓસ્કર - ૨૦૨૧ની શોર્ટ ફિલ્મ કેટેગરીની રેસમાં ‘નટખટ’ સામેલ થઇ તેના માટે ઉત્સાહિત છીએ.
વિદ્યાની આંખમાં ખુશીના આંસુ
વિદ્યા બાલન આ ફિલ્મની વાત કરતાં ખુશીથી રડી પડી હતી. ફિલ્મ ઓસ્કર રેસમાં સામેલ થઇ તેનાથી તે ખૂબ ખુશ થઈ હતી. તેણે કહ્યું કે, એક અશાંત અને ઉચાટવાળા વર્ષમાં અમારી ફિલ્મ આવી અને ઓસ્કરમાં પહોંચી એનાથી ઘણું સારું લાગી રહ્યું છે.
આ ફિલ્મ મારા માટે અવિશ્વસનીય રીતે નજીક છે કારણકે તેને મને આ શોર્ટ ફિલ્મે એક્ટ્રેસ અને ફિલ્મમેકરની ડબલ ભૂમિકા નિભાવવાનો અવસર આપ્યો છે.
ફિલ્મના ડિરેક્ટર શાન વ્યાસે કહ્યું કે તે ઓસ્કર રેસમાં ફિલ્મ સામેલ થતાં ઘણા ખુશ છે. તેમના જણાવ્યા મુજબ, આ ફિલ્મ ઓસ્કારમાં શોર્ટલિસ્ટ થઇ તો આપણા સિનેમાજગત પ્રત્યે લોકોની રુચિ વધી જશે.
ફિલ્મમાં વિદ્યાએ પિતૃસત્તાક પરિવારની ગૃહિણીનો રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં માતા-પુત્રના લાગણીશીલ દૃશ્યો અને માતાની ચિંતા દેખાય છે. ‘નટખટ’માં એક માતા (વિદ્યા બાલન) જુએ છે કે તેનો સ્કૂલે જતો દીકરો સોનુ (સાનિક પટેલ) પરિવારના બીજા પુરુષોની જેમ મહિલાઓને દુરાચાર અને અપમાનની ભાવનાથી જુએ છે.
નેશનલ - ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ
વર્ષ ૨૦૨૦માં દુનિયાભરના ઘણા પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું. ફિલ્મનું વર્લ્ડવાઈડ પ્રીમિયર ટ્રિબેકાના વી આર વન: અ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ (બીજી જૂન ૨૦૨૦)માં થયું હતું. ત્યારબાદ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ સ્ટટગાર્ટ (૧૫-૨૦ જુલાઈ, ૨૦૨૦)માં ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું.
ફિલ્મને જર્મન સ્ટાર ઓફ ઇન્ડિયા અવોર્ડ મળ્યો છે. આ લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ, સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓર્લેન્ડો - ફ્લોરિડા ફિલ્મ ફેસ્ટિવલ માટે પણ આમંત્રિત હતી. મેલબોર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મ દેખાડવામાં આવી હતી. ફિલ્મ બેસ્ટ ઓફ ઇન્ડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ વિજેતા જાહેર થઇ હતી.
IKFF (ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલ) ભારતનો સૌથી મોટો ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ છે, જેનો ઉદ્દેશ દુનિયાના બાળકોને પ્રેરણાદાયક, સાર્થક અને વિશ્વ સ્તરના વિવિધ સિનેમા આપવાનો છે. ભારત, ઇટલી, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, તાઇવાન, કિર્ગીસ્તાન અને અમેરિકાની સ્કૂલોમાંથી પસંદ થયેલા ૪૫ સભ્યોની ચાઈલ્ડ જ્યુરીએ ‘નટખટ’ને બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ (૧૩+ વર્ષ) માટે અવોર્ડ આપ્યો હતો.