તાજેતરમાં જ માતા બનેલી અભિનેત્રી અનુષ્કા શર્માએ સોમવારે સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શેર કરી હતી. આ સાથે જ અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું હોવાની વાત કરી હતી. વામિકાનો અર્થ દુર્ગા થાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ ૧૧મી જાન્યુઆરીના રોજ બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.
અનુષ્કાએ શેર કરેલી તસવીરમાં તેના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. અનુષ્કાએ તસવીર શેર કરીને કહ્યું હતું કે, અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. અમારું હૃદય એકદમ સુખથી ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.
અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરીના જન્મ પછીના ૧૧ દિવસ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી.
દીકરીને જન્મ આપ્યાના ૧૧ દિવસ બાદ જ અનુષ્કા એકદમ સ્લિમ અને ફિટ જોવા મળી હતી.