અક્ષયકુમારની બહુચર્ચિત આગામી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ના ટાઈટલનો ઘણો જ વિરોધ કરાયા પછી અંતે, આ ફિલ્મનું ટાઈટલ બદલીને માત્ર 'લક્ષ્મી' રાખવામાં આવ્યું છે. દર્શકોની લાગણીને માન આપીને નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
૨૯મી ઓક્ટોબરે ફિલ્મના ડિરેક્ટર રાઘવ લોરેન્સ સેન્સર બોર્ડ પાસે સેન્સર સર્ટિફિકેટ માટે ગયા હતા અને તેમણે બોર્ડના અધિકારી સાથે ચર્ચા કરી હતી. એ પછી દર્શકોની લાગણીને ધ્યાનમાં રાખીને ફિલ્મનું ટાઈટલ બદલવાનું નક્કી કર્યું હતું. ફિલ્મના નિર્માતા શબીના ખાન, તુષાર કપૂર તથા અક્ષયકુમારે પણ દર્શકોની લાગણીને માન આપીને ફિલ્મનું નામ 'લક્ષ્મી' રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાહેર થયું છે.
કરણી સેના - હિંદુ સેનાનો વિરોધ
કરણી સેનાના વકીલ રાઘવેન્દ્રે આ મૂવિના મેકર્સને નોટિસ ફટકારીને ધાર્મિક લાગણી દુભાવવા બદલ માફી માગવાનું તથા ફિલ્મનું નામ બદલાવવા જણાવ્યું હતું. હિંદુ સેનાએ માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો તથા પ્રમોટર્સ વિરુદ્ધ ફરિયાદ પત્ર આપ્યો હતો. આ ફરિયાદ પત્રમાં ફિલ્મમેકર્સ પર આક્ષેપ હતો કે તેમણે ફિલ્મમાં માતા લક્ષ્મીનું નામ ખોટી રીતે ઉપયોગમાં લીધું છે. આ કૃત્યથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. પત્રમાં ફિલ્મનું ટાઈટલ બદલવાની માગ પણ કરવામાં આવી હતી. હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતું કે, જો ફિલ્મનું ટાઈટલ બદલવામાં ના આવ્યું તો તેઓ હાઈ કોર્ટમાં જશે અને ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં.
લવ જેહાદને પ્રોત્સાહનનો આક્ષેપ
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે સોશિયલ મીડિયામાં #ShameOnAkshayKumar ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ફિલ્મ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મુકાયો હતો. ફિલ્મમાં અક્ષય આસિફ તથા કિઆરા હિંદુ યુવતી પ્રિયાનો રોલ નિભાવી રહ્યાં છે. ફિલ્મમાં આસિફ, પ્રિયા સાથે લગ્ન કરવા માગે છે. ટ્રેલર રિલીઝ થતાં યુઝર્સે અક્ષયકુમાર પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂક્યો હતો. યુઝર્સે અક્ષયકુમારને નકલી દેશભક્ત કહ્યો હતો.
નવ નવેમ્બરે રિલીઝ
'લક્ષ્મી'નું ટ્રેલર ૯મી ઓક્ટોબરે રિલીઝ થયું હતું. અક્ષયકુમારની આ ફિલ્મ તમિલ ફિલ્મ 'કંચના'ની હિંદી રિમેક છે. આ ફિલ્મને રાઘવ લોરેન્સે જ ડિરેક્ટ કરી છે. પહેલા આ ફિલ્મ ૨૨ મે, ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, કોરોના સંકટ અને લોકડાઉનને કારણે થિયેટર બંધ હતા. જેથી ફિલ્મની રિલીઝ લંબાવાઈ હતી.
જોકે પછીથી પણ દર્શકો નહીં મળવાની શક્યતઃ ભીતિ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો હતો. ફિલ્મ ૯ નવેમ્બરે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.